જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસે રહેતી યુવતી અને તેની માતા મોપેડ પર ઠેબા બાયપાસ તરફ જતા હતાં તે દરમિયાન પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટ્રકે મોપેડને હડફેટે લેતા મહિલાનું મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક નજીકના વિસ્તારમાં રહેતી મોહીની પરમાર અને તેની માતા મંજુલાબેન બન્ને બુધવારે રાત્રીના સમયે તેના જીજે-10-સીએલ-7403 નંબરના એકટીવા મોપેડ પર મહાપ્રભુજીની બેઠક પરથી આગળ ઠેબા બાયપાસ તરફ જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી પૂરઝપડે આવતા જીજે-10-ઝેડ-7752 નંબરના ટ્રકે એકટીવાને ઠોકરે ચડાવી હડફેટે લેતા યુવતીને નાની મોટી ઈજા થઈ હતી. જ્યારે તેણીની માતા મંજુલાબેન ટ્રકના પાછળના ટાયર હેઠળ ચગદાઈ જતા ઘટનાસ્થળે જ ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બાદમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને બનાવ અંગેની જાણ થતા પીએસઆઈ જે.આર. કરોતરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી નાશી ગયેલા ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.