જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર રવિવારે બપોરના સમયે પૂરઝડપે બેફીકરાઇથી આવતી કારના ચાલકે આગળ જતી કારને ધડાકાભેર ઠોકર મારતા અકસ્માતમાં કાર પલ્ટી જતા મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચાડી અકસ્માત કાર મૂકી ચાલક નાશી ગયો હતો.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોડિયાર કોલોની રોયલ પુષ્પપાર્ક શેરી નં.3 માં રહેતા અને મજૂરી કામ કરતા દિપકભાઇ જીવણભાઈ લાડવા તેની જીજે-10-એસી-7726 માં રવિવારે બપોરના સમયે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સાપર ગામના પાટીયા નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરઝડપે આવતી જીજે-03-એમબી-9904 નંબરની કારના ચાલકે આગળ જતી કારને પાછળથી ઠોકર મારતા કાર પલ્ટી ખાઈ ગઇ હતી. આ કાર પલ્ટી ખાઈ જતા તેમાં મુસાફરી કરતા સ્નેહાબેન નામના મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કરશનભાઈ સામજીભાઈ ચુડાસમા અને કેતન ભાવેશભાઈ તથા જીવણભાઈ લાડવા નામના ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવની જાણ થતા પીએસઆઈ એ.વી. સરવ્ તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી જીજે-03-એમબી-9904 નંબરનો ચાલક તેની કાર મુકી નાશી ગયો હતો. પોલીસે ચાલક વિરૂધ્ધ દિપકભાઈ લાડવાના નિવેદનના આધારે ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.