દ્વારકા ખાતે હોળી, ધુળેટી પર્વને કાળીયા ઠાકોર સંગે મનાવવા માટેનું ઐતિહાસિક મહત્વ છે. ત્યારે દર વર્ષે અહીં ખુબ મોટી સંખ્યામાં ચાલીને આવતા પદયાત્રીઓ તેમજ જુદા જુદા વિસ્તારોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટેની સુંદર વ્યવસ્થા તેમજ સુરક્ષા માટે પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર અને મંદિર સમિતિ દ્વારા નક્કર આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર આયોજન અહીં આવતા શ્રદ્ધાળુઓ તેમજ યાત્રાળુઓ માટે આવકારદાયક બની રહ્યું હતું.
ફુલડોલ ઉત્સવ મનાવવા માટે દ્વારકા ઉપરાંત કૃષ્ણના રાણીવાસ એવા બેટ દ્વારકા ખાતે ફક્ત હાલાર પંથકમાંથી જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાંથી લાખોની સંખ્યામાં કૃષ્ણ ભક્તો પધારે છે. ત્યારે અહીં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમજ સવલત અર્થે પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ કુલ 1,400 જેટલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ વિગેરેનો બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.ગત તારીખ 22 માર્ચથી તારીખ 25 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન અહીં આશરે 5,63,645 જેટલા દર્શનાર્થીઓએ ભગવાન દ્વારકાધીશ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. જેમાં દ્વારકા તેમજ બેટ દ્વારકા ખાતે લોકોની સેવા માટે રહેલી ખાસ એવી સી-ટીમ, મંદિર સુરક્ષા પોલીસ ટીમ, પોલીસ સહાયતા કેન્દ્ર તેમજ વિવિધ સ્થળો પર પોઇન્ટ વાઈઝ પોલીસ દ્વારા સતત ખડેપગે રહી અને વયોવૃદ્ધ લોકો, બાળકો, બાળકો સાથેના મહિલાઓ દિવ્યાંગો તેમજ અશક્ત ભક્તોની સેવા સાથે સુરક્ષાનું ભગીરથ કાર્ય અવિરત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં કુલ 2414 દર્શનાર્થીઓને પોલીસ દ્વારા વ્હીલચેર તેમજ પોલીસ જવાનોની મદદથી દર્શન કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોલીસ સહાયતા કેન્દ્ર અને સી-ટીમ દ્વારા અહીં આવેલા દર્શનાર્થીઓ પૈકી પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા 600 જેટલા લોકોની મદદ કરી અને પોતાના પરિવાર સાથે સુખદ મિલન કરાવાયું હતું. આ ઉપરાંત 56 જેટલા દર્શનાર્થીઓનો ગુમ થયેલો કિંમતી સામાન પરત અપાવવામાં પોલીસ તંત્રને સફળતા મળી હતી.આ સમગ્ર વ્યવસ્થા માટે 94 સીસીટીવી કેમેરા, 30 બોડીવોર્ન કેમેરા, વાયરલેસ સેટ, કોમ્યુનિકેશન નેટવર્ક વિગેરેનો ઉપયોગ કરીને આ તમામ સુરક્ષા વ્યવસ્થાને સાબુદ બનાવવા માટે પોલીસને સફળતા મળી હતી. આ રીતે દ્વારકામાં ફૂલડોલ ઉત્સવના ભવ્ય અને સુવ્યવસ્થિત આયોજનનો લાભ મેળવીને જુદા જુદા પ્રાંતમાંથી આવેલા દર્શનાર્થીઓએ સંતોષ સાથે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.