ગુજરાત હાઈકોર્ટ એક મહત્વના ચૂકાદામાં સ્પષ્ટ કર્યુ હતું કે સિંગલ મધર પણ તેના સંતાનનેસારી રીતે તથા સન્માનજનક ઉછેરી શકે છે. હાઈકોર્ટ સમક્ષ એક શિક્ષિત યુગલનો કેસ આવ્યો હતો. અગાઉ ફેમીલી કોર્ટે અલગ રહેતા આ યુગલના નાની બાળાની કસ્ટડી તેના પિતાને સોપવા આદેશ કર્યો હતો અને એ નિરીક્ષણ વ્યક્ત કર્યુ હતું કે પિતા એ શિક્ષિત છે અને તેના માતા-પિતા પણ બાળકીની સારસંભાળ લેવા માટે સક્ષમ છે જેની સામે પત્નીએ પુત્રીની કસ્ટડી માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
જેની સામે પતિએ હાઈકોર્ટમાં એક અલગ અરજીથી બાળાની મુલાકાતનો માતાના અધિકાર સામે પણ સ્ટે. માંગ્યો હતો પણ હાઈકોર્ટે ફેમીલી કોર્ટના એ ચૂકાદાને રદ કરતા સમયે રસપ્રદ નિરીક્ષણ વ્યક્ત કર્યુ કે ફેમીલી કોર્ટના ન્યાયમૂર્તિ એ વિચારથી પ્રભાવિત છે કે પિતાએ વધુ સારા શિક્ષિત છે અને તેના માતા-પિતા પણ બાળકીની સંભાળ લેવા તૈયાર છે પણ ફેમીલી કોર્ટ એ ભુલી ગઈ કે માતા પણ સારી રીતે શિક્ષિત છે અને તે પણ સારી આવક ધરાવે છે છતાં બાળકીના ઉછેર માટે પિતાએ નાણાકીય મદદ કરવાની હોય છે. હાઈકોર્ટે જણાવ્યું કે પત્ની એકલી રહે છે. કારણ કે તેના પતિએ તરછોડી દીધી છે. ઉપરાંત પત્નીને માતા-પિતા પણ બાળકીની સંભાળ લેવા તૈયાર છે તેથી માતાને (પત્નીને) બાળકીની કસ્ટડી સોપવા આદેશ આપ્યો હતો. આ કેસમાં પતિએ એવી પણ દલીલ કરી કે તેના પત્ની શરાબ પાર્ટીમાં જાય છે. સિગારેટ પીવે છે તેથી બાળકી પર તેનો ખરાબ પ્રભાવ પડી શકે છે તો હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે જાહેરમાં સિગારેટ પીવી એ કોઈ હવે સામાજીક સંકોચ રહ્યો નથી અને પતિએ પણ પોતાની અરજીમાં કયાંય દર્શાવ્યું નથી કે તે ‘સંત’ છે અને શરાબ કે સિગારેટ પીતા નથી.