Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરકોવિડ વેક્સિન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પરિસંવાદ યોજાયો

કોવિડ વેક્સિન અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને પરિસંવાદ યોજાયો

- Advertisement -

જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે આજરોજ કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને કોવિડ વેક્સિન અંગે નિષ્ણાંત ડોક્ટરો અને ફ્રન્ટલાઇન વર્કસ પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદમાં રસી અંગેના લોકોને મૂંઝવતા પ્રશ્નોનું નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિરાકરણ આપવામાં આવ્યું હતું.

- Advertisement -

આ પરિસંવાદમાં લોકોને મૂંઝવતા સામાન્ય પ્રશ્નો જેવા કે રસી કેટલા લાંબા સમય સુધી રક્ષણ આપે છે? રસીની અસરકારકતા અને પ્રમાણિકતા કઈ રીતે નક્કી કરવામાં આવે છે? ક્યાં વ્યક્તિઓ રસીકરણને પાત્ર છે? આ માટે નોંધણી કરાવવાની પ્રક્રિયા શું છે? જેવા પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા હતા તેમજ રસીની આડઅસર, કો-મોર્બીડ લોકોની રસી લેવા અંગેની દુવિધાઓ અને રસી વિષે લોકોમાં ફેલાયેલી ગેર માન્યતાઓને ડોક્ટરો દ્વારા દૂર કરવામાં આવી હતી.

- Advertisement -

કોરોના રસીકરણ ઝુંબેશનો હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે. પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુકેલ છે, હાલ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં આવી રહી છે ત્યારે આ રસીની કોઈ જ આડઅસર જોવા મળી નથી તેમ જણાવી ડીન નંદીની દેસાઇએ કહ્યું હતું કે આ રસી ગર્ભવતી સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, 18 વર્ષથી નીચેના બાળકો અને ગર્ભાધાનનું આયોજન કરતા કપલ સિવાયના દરેક આ રસીકરણને પાત્ર છે.

રસીકરણની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપતા કમિશનર સતીશ પટેલ અને ડી.ડી.ઓ વિપિન ગર્ગએ જણાવ્યું હતું કે, આ માટે નોંધણી થયેલ વ્યક્તિને કોવિન સોફ્ટવેર દ્વારા રસી મૂકવાના આગલા દિવસે જ મેસેજ કરવામાં આવે છે અને તારીખ અને સમય અનુસાર લાભાર્થીએ રસી માટે આધારકાર્ડ સિવાયના પણ પોતાના કોઈ એક ફોટો આઇડી જેમ કે ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જણાવેલ સ્થળ પર વેક્સિન લેવા જવાનું હોય છે. જામનગર શહેરમાં દરેક અર્બન હેલ્થ સેન્ટર, એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે અને મહાનગરપાલિકાના ફાયર ટર્મીનલ ખાતે વેક્સિનેશનની કામગીરી ચાલુ છે.

- Advertisement -

આ વેક્સિનના પ્રથમ ડોઝ બાદ 28 દિવસના સમયગાળા બાદ બીજા ડોઝ માટે પણ આ જ રીતે પ્રક્રિયા કરવાની હોય છે. વેક્સિનની આડઅસરને લઈને મૂંઝવતા પ્રશ્નો અંગે ડો.ભદ્રેશ વ્યાસએ કહ્યું હતું કે, વેક્સિન સંપૂર્ણ સલામત છે એની કોઈ આડઅસર નથી પરંતુ કોઈપણ પ્રકારની વેક્સિનની અસર થતા જે સામાન્ય બાબતો જેમ કે સામાન્ય તાવ આવવો, થોડો સોજો આવવો કે ઠંડી લાગવી જેવી અસર થઈ શકે છે. જે ખુબ સામાન્ય બાબત છે. આ ઉપરાંત આ વેક્સિન બાદ કેટલા દિવસે શરીરમાં એન્ટીબોડી બને છે તે વિશે સ્પષ્ટતતા કરી હતી કે, શરીરમાં પ્રથમ ડોઝ અને બીજા ડોઝમાં 14 દિવસનો ગેપ રાખવામાં આવે છે અને સંપૂર્ણ સાયકલ પૂરી થયા બાદ એક મહિનાના સમયગાળામાં શરીરમાં એન્ટીબોડી ડેવલપ થાય છે આ વેક્સિન ઉપર થયેલ સંશોધન મુજબ આશરે આ વેક્સિનની અસર આશરે 1 વર્ષ રહે છે. આ વેક્સિન નવા સ્ટ્રેઇન પર પણ એટલી જ અસરકારક છે તેમ ડબલ્યુ.એચ.ઓ.ના પ્રતિનિધિ વિનય કુમારે ઉમેર્યુ હતું.

વેક્સિન બાદ પણ જે તે વ્યક્તિ દ્વારા અન્ય કોઈપણ વ્યક્તિને ચેપ ન લાગે તે માટે માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ કરવો આવશ્યક છે. આ વેક્સિન અતિ ગંભીર એલર્જી ધરાવતા લોકોને આપવામાં આવતી નથી. મોટી ઉંમરના લોકો માટે પણ આ વેક્સિન ખૂબ સલામત છે તેમ કહી રિટાયર એર કોમોડોર એસ.એસ. ત્યાગી અને અધિક નિવાસી કલેકટરશ્રીએ ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે સ્વાનુભાવ વહેંચતા જણાવ્યું હતું કે, વેકસીન લીધા બાદ કોઈ આડઅસર જોવા મળી નથી, જીવન સામાન્ય જ રહ્યું છે પરંતુ આ વેક્સિન બાદ રોગ સામે લડવાની તાકાત સાથે આત્મવિશ્વાસ પણ વધ્યો છે. તો અન્ય પણ વેક્સિન લઈ આ રોગથી મુક્ત થવા આગળ આવે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

આ રસી કોવિડ થયેલ વ્યક્તિએ લેવાય કે નહીં તે વિષે માર્ગદર્શન આપતા ડોક્ટર એસ.એસ.ચેટર્જીએ જણાવ્યું હતું કે, જે વ્યક્તિ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યું છે, તેમને આ રસીની આવશ્યકતા નથી પરંતુ બે થી ત્રણ મહિનાના સમયગાળામાં જેમને કોરોના થયેલ હોય તેઓના શરીરમાં એન્ટીબોડી બનેલા હોય છે પરંતુ તે થોડા જ મહિનાઓમાં નાશ પામે છે, જ્યારે વેક્સિન દ્વારા મળેલ એન્ટીબોડી શરીરમાં ખૂબ લાંબા સમય સુધી સુરક્ષા આપે છે તેથી કોવિડ થયેલ વ્યક્તિએ પણ વેક્સિન લેવી જોઈએ.

આ પરિસંવાદમાં કલેકટર દ્વારા લોકોને મૂંઝવતા પ્રશ્નો નિષ્ણાંત ડોકટરો એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, કોરોના વેક્સિનેશન માટે નોડલ ડો. ભદ્રેશ વ્યાસ, ડબલ્યુ.એચ.ઓ.ના પ્રતિનિધિ ડો.વિનયકુમાર, કોરોનાના નોડલ ડો.એસ.એસ.ચેટરજી દ્વારા પ્રશ્નો વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે જ ઉપસ્થિત ફ્રન્ટલાઇન વર્કર્સ દ્વારા પણ તેમને મુંઝવતા પ્રશ્નો વિશે ડોક્ટરો સાથે પ્રશ્નોત્તરી સેશન યોજાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular