જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા સાંઢીયા પુલ પાસે આજે બપોરના સમયે પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટ્રક ચાલકે સ્કૂટર સવારને ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-ખંભાળિયા માર્ગ પર સાંઢીયા પુલ પાસે કનસુમરા ગામના પાટીયા નજીકથી પસાર થતા સ્કૂટર સવારને પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટ્રકચાલકે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માતમાં પ્રૌઢનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માતના સમયે રોડ પર લોકો એકઠા થઇ ગયા હતાં. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મૃતકનો મૃતદેહ કનસુમરા ગામના વલીમામદનો હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું. જો કે, પોલીસે સ્કુટર નંબરના આધારે મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.