ભારતીય હવામાન વિભાગ દ્વારા બિપરજોય વાવાઝોડા અંગે આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડા અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી ખંભાળિયા ખાતે જિલ્લાના તમામ સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીઓની સાથે જિલ્લા કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને જરૂરી પૂર્વ તૈયારીઓ માટે બેઠક મળી હતી.
બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોએ વાવાઝોડા અને તે દરમ્યાન વરસાદની આગાહી સંદર્ભ કરેલી તૈયારીઓની કલેકટરએ વિગતો મેળવી હતી
બેઠકમાં કલેકટરએ માછીમારો દરિયો ખેડવા ના જાય તે માટે જરૂરી તકેદારી લેવા માટે સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તકેદારીના ભાગરૂપે હોર્ડીગ ઉતારી લેવા,
જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ જાનહાનિ કે નુકશાન થાય તો તાત્કાલીક જાણ કરવા તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ પર કર્મચારી સુનિશ્ચિત કરવા તેમજ જિલ્લામાં દરીયા કિનારાથી નજીકના અને નિચાણવાણા તમામ તાલુકાઓના ગામોમાં સંભવીત આગાહી સંદર્ભ સ્થળાંતરિત કરવા માટે આશ્રયસ્થાનોની વ્યવસ્થા, તેમજ કોઈ માલ મિલ્કત કે અન્ય નુકશાન થાય તો તાત્કાલીક સ્થળ તપાસ કરાવી સરકારના નિયમોનુસાર કાર્યવાહી કરવી તેમજ અધિકારીઓને પરવાનગી સિવાય હેડકવાર્ટર નહી છોડવા સૂચના આપવામાં આવી હતી.
સરકારી દવાખાનામાં અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે અને કોઈ વીજ પોલ ધરાશાયી થાય તો ત્વરિત વીજપોલ ઊભો કરી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પણ સબંધિત વિભાગને જણાવ્યું હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, એસ.પી. નિતેશ પાંડેય, ડી.વાય.એસ.પી. સમીર સારડા, પ્રાંત અધિકારી ખંભાળિયા પાર્થ કોટડિયા, પ્રાંત અધિકારી દ્વારકા પાર્થ તલસાણીયા, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


