કોરોના કાળના બે વર્ષ બાદ ભારતની કલા સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી રંગગ્રામ પ્રદર્શનીનું જામનગરમાં ફરી એક વખત આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદીના પુત્રી અને પુત્રવધુ દ્વારા આયોજિત આ પ્રદર્શનીનો ગઇકાલે શુક્રવારે શહેરની આરામ હોટલમાં પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જ પ્રદર્શનીને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
ભારતીય હસ્ત કલાને પ્રોત્સાહન આપતી આ પ્રદર્શની અંગે બન્ને આયોજક આવા સુનિલ શુકલા અને અભિ દક્ષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનીનો હેતુ કોમર્શિયલ નથી. પરંતુ ભારત સરકારના સ્ટાર્ટઅપ અને મેકઇન ઇન્ડિયા જેવા પ્રોજેકટને પ્રોત્સાહન આપવાનો છે. 17 જુલાઇ સુધી સવારે 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી યોજાનારા આ પ્રદર્શનમાં દેશના ખૂણે-ખૂણાથી સ્કીલ્ડ કારીગરીનો કલાકૃત્તિને તક આપવાનો આ પ્રયાસ છે. આ પ્રદર્શનીમાં ગ્રામ્ય મહિલાઓ દ્વારા નિર્મિત ચણિયાચોલી, દુપટ્ટા તેમજ અન્ય હાથવણાટ સહિતની કલા કારીગરીને પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રદર્શનીમાં આધુનિકતાનો પણ સંગમ કરવામાં આવ્યો છે જેમાં ડિઝાઇનર આઉટફીટ, મધર-ડોટર કોમ્બીનેશન, હેન્ડક્રાફટ આઇટમ અને ડિઝાઇનર જવેલરીનો પણ સમાવેશ થાય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી આ પ્રકારનું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. પરંતુ છેલ્લા બે વર્ષ કોરોના મહામારીને કારણે પ્રદર્શન યોજી શકાયું ન હતું. કોરોના હળવો થતાં જ ભારતીય કલાને પ્રોત્સાહન આપવા માટે ફરી એક વખત પ્રદર્શનીના માધ્યમથી પ્રયાસ કરવામાં આવ્યો છે જેનો લાભ લેવા માટે શહેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.