ભાણવડ પંથકમાં એલ.સી.બી.ની ટીમ દ્વારા મંગળવારે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન દેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો હતો. જેમાં પોલીસે દારૂ સાથે બોલેરો, બાઇક, સહિત કુલ રૂપિયા 7.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં બે આરોપીઓ ફરાર થઈ ગયા છે.
આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા પેટ્રોલિંગ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન મંગળવારે વહેલી સવારે એલ.સી.બી.ના પી.આઈ. એ.એલ. બારસીયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને વી.એન. સિંગરખીયાની ટીમ દ્વારા બરડા ડુંગર વિસ્તારમાંથી પસાર થતી વખતે દેશી દારૂની થતી હેરફેર પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જેમાં પોલીસે રૂપિયા 2.50 લાખની કિંમતનો 1250 લિટર દેશી દારૂ, રૂ. 37,000ની કિંમતના 37 ડબ્બા ગોળ ઉપરાંત ચાર લાખની કિંમતની બોલેરો અને રૂપિયા 30,000ની કિંમ નું હોન્ડા સાઈન મોટરસાયકલ કબજે કર્યા હતા. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 7,17,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જો કે દરોડા દરમ્યાન રાણપર ગામના ખીમા બોઘા શામળા અને ટપુ સુકા મોરી નામના બે શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો છે. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે ગોહિલના વડપણ આકાશ બારસીયા, પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, વી.એન. સિંગરખિયા, સ્ટાફના અરજણભાઈ ચંદ્રવાડીયા, ખીમાભાઈ કરમુર, પરેશભાઈ સાંજવા, ગોવિંદભાઈ કરમુર અને મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.


