જામનગર અને દ્વારકા જિલ્લાનો દરિયાકાંઠો હંમેશા સંવેદનશીલ રહ્યો છે અને હાલમાં આ દરિયાકિનારેથી પાકિસ્તાન દ્વારા નશીલા પદાર્થ ઘુસાડવાનું ષડયંત્ર ખુલ્યું હતું. જેમાં પોલીસે કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી લીધું હતું અને આ ડ્રગ્સ કાંડમાં દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ થયો હતો.
ઉપરાંત જામનગર શહેરમાંથી એક માસ પહેલાં બે કિલો હેરોઇન ઝડપી લેવામાં આવ્યું હતું. દરમિયાન હાલારમાં નશીલા પદાર્થની હેરાફેરી ડામવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં શુક્રવારે એસઓજીના અરજણ કોડિયાતર અને ઘનશ્યામ ડેરવાડિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઇ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી. વીંછી તથા વી.કે. ગઢવી સહિતના સ્ટાફે શહેરના તીનબતી પાસેના ઝુલેલાલ ચોકની બાજુમાં અંબર ચોકડી જવાના માર્ગ પરથી ઈકબાલ ઉર્ફે રફિક લુખ્ખો મુસા ચાવડા (રહે. એકડેએક બાપુની દરગાહ પાસે) નામના વાઘેર શખ્સને દબોચી લઇ તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.40 હજારની કિંમતનો ચાર કિલો ગાંજો અને રૂા.5500 ની કિંમતના બે મોબાઇલ તેમજ રૂા.2140 ની રોકડ રકમ સહિત રૂા.47840 નો મુદ્દામાલ મળી આવતા અટકાયત કરી હતી.
એસઓજીની ટીમે ઈકબાલની પૂછપરછ હાથ ધરતા ઈકબાલે આ ગાંજાનો જથ્થો જામનગરના બેડીમાં બુંદેલશાહ દરગાહ પાસે રહેતા હાજી ઉર્ફે જોજો ઉમર ફકીર અને મહારાષ્ટ્રના નાશીકમાં રહેતાં મહેન્દ્રસિંહ નામના બન્ને શખ્સો પાસેથી આ ગાંજાનો જથ્થો ખરીદ કર્યા હોવાની કેફિયત આપી હતી. જેના આધારેે એસઓજીની ટીમે ઈકબાલ ઉર્ફે રફિક લુખ્ખો, હાજી ઉર્ફે જોજો ઉમર ફકીર અને મહેન્દ્રસિંહ નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.