જામનગર અને દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને છેલ્લાં 48 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 283 અને ગ્રામ્ય વિસ્તારોમાં 72 મળી કુલ 355 કોરોના પોઝિટિવ દર્દીઓ નવા ઉમેરાયા હતાં. જયારે 108 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. ઉપરાંત દ્વારકા પોલિસ વડા સહિતના 64 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 24 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.
જામનગર શહેરમાં કોરોના સંક્રમણ ચિંતજનક રીતે વધી રહ્યું છે અને છેલ્લા 48 કલાક દરમ્યાન જામનગર શહેરમાં શનિવારે 121 અને રવિવારે 162 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જયારે 41 અને 56 બે દિવસ દરમ્યાન 97 દર્દીઓ સાજા થયા હતાં અને ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે 40 અને રવીવારે 32 પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા હતાં તથા 09 અને 02 મળી કુલ 11 દર્દીઓ સ્વસ્થ થયા હતાં. આમ જામનગર જિલ્લામાં બે દિવસ દરમ્યાન કુલ 355 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે 108 દર્દીઓ સાજા થયા હતાં. જામનગર શહેરમાં પણ કોરોનાની ત્રીજી લહેરે ગતિ પકડી હોય તેમ રોજ નોંધાતા કેસમાં જબ્બર ઉછાળો નોંધાયો છે. શહેરમાં છેલ્લે સાત મહિના અગાઉ 23 મે 2021 ના રોજ 102 કેસ નોંધાયા હતાં. ત્યારે કોરોનાની બીજી લહેરના વળતા પાણી થઈ રહ્યા છે. આજે સાત મહિના બાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસના આંકડાએ ફરી સદી પાર કરી છે. આ સાથે જ ત્રીજી લહેરે પીક તરફ પ્રયાણ શરૂ કર્યુ છે. છેલ્લાં એક સપ્તાહથી શહેરમાં સતત વધી રહેલા કોરોનાના આંકડા શહેરીજનો અને આરોગ્ય તંત્રની ચિંતા વધારી રહ્યા હતાં. ત્યાં કોરોના વિસ્ફોટે તંત્રને દોડતું કરી દીધું છે. લોકોમાં પણ ફરી ભયનું લખલખું વ્યાપી ગયું છે. જો કે, રાહતની વાત એ છે કે, બીજી લહેરની જેમ આ વખતે કોરોનાના ગંભીર લક્ષણો હજુ સુધી સામે આવ્યા નથી. તેમજ દર્દીને ઓકસીજનની સમસ્યા પણ ગંભીર બની છે. પરિણામે હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ઓછું રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લો પણ હવે કોરોના ના વધતા જતા સંક્રમણનો ભોગ બની રહ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. શનિવારે તથા રવિવારે બે દિવસના સમયગાળા દરમિયાન અનુક્રમે 9 તથા 55 મળી કુલ 64 નવા દર્દીઓ સામે આવ્યા છે. શનિવારે ભાણવડમાં પાંચ અને દ્વારકાના ચાર મળી કુલ નવ દર્દીઓ, જ્યારે ગઈકાલે રવિવારે દ્વારકા તાલુકામાં ચિંતાજનક 28, ભાણવડ તાલુકામાં 19, ખંભાળિયા તાલુકામાં પાંચ અને કલ્યાણપુર તાલુકામાં ત્રણ મળી 55 નવા કેસનો ઉમેરો થયો છે. આમ 48 કલાકમાં 64 નવા દર્દીઓ વધી જતાં લોકોમાં ચિંતાનો માહોલ સાથે આરોગ્ય તંત્ર હવે સક્રિય થયું છે.
બે દિવસના સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ફુલ 1,899 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે શનિવારે દ્વારકાના 10 અને ખંભાળિયા 3 તેમજ ગઈકાલે રવિવારે દ્વારકાના 10 તથા ખંભાળિયાનો એક મળી, બે દિવસના સમયગાળા દરમિયાન કુલ 24 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આમ, જિલ્લામાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં પણ નોંધાયેલા નવા પોઝીટીવ કેસ વચ્ચે તંત્ર દ્વારા માઈક્રો ક્ધટેન્મેન્ટ ઝોન સહીતની કામગીરી કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ સાંપડ્યા છે. દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીને કોરોનાના લક્ષણ હોવાથી તેમના દ્વારા ગઈકાલે આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હાલ તેઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.