જામનગર મહાનગરપાલિકાની ભૂગર્ભ પાઇપ ગટરના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય, આ અંગે કોંગ્રેસ દ્વારા જનરલ બોર્ડમાં તેમજ અવાર-નવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ આવતો ન હોય, આવતીકાલે કમિશનરની ચેમ્બર સામે ધરણા કરી વિરોધ કરવામાં આવશે.
જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ભૂગર્ભ પાઇપ ગટરના કામ થયા છે. તેમાં અધિકારીની બેદરકારીને કારણે કામ વ્યવસ્થિત થયા નથી. 2016માં ગઢની રાંગ બહાર નદીના ભાગમાં ભૂગર્ભ કેનાલ જે રિવરફન્ડ અંદાજે 6.50 કરોડ રૂપિયાનો બનાવ્યો હતો. જે કેનાલ સંપૂર્ણપણે ફેઇલ છે. ચેમ્બરમાં કચરા જામ થઇ ગયા છે અને ગંદુ પાણી પસાર થતું નથી. વોર્ડ નં. 12માં રાજારામ કંપનીએ મોરકંડા રોડથી સનસીટી-2 સુધી જે કેનાલ બનાવવાની હતી તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ આ પત્રમાં જણાવ્યું છે. ગઢની રાંગની અંદરના વિસ્તારમાં જે પાઇપ ગટરનું કામ કર્યું છે. તેમાં અસંખ્ય ફરિયાદો છે. પાણીના બોરમાં ગટરના પાણી મિક્સ થાય છે. જેના કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે. આ અંગે જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરી હોવા છતાં આ અંગે કોઇ તપાસ થઇ નથી. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જામનગર મહાનગરપાલિકા વિરોધપક્ષ નેતા અલ્તાફ ખફી દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરાઇ છે તથા આવતીકાલે ધરણાની ચિમકી ઉચ્ચારાઇ છે.