ભારતીય જળ સીમમાં પ્રવેશેલી પાકિસ્તાની બોટને કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવી છે. જેમાં રહેલા 10 ક્રુમેમ્બરને પૂછપરછ માટે પોરબંદર લઇજવાયા છે.
ભારતીય તટરક્ષક દળનું જહાજ ‘અંકિત’ અરબ સમુદ્રમાં ઓપરેશનલ પેટ્રોલિંગ કરી રહ્યું હતું ત્યારે પાકિસ્તાની માછીમારી બોટ (PFB) યાસીન પકડી પાડવામાં આવી હતી અને તેમાંથી 10 પાકિસ્તાની ક્રૂની ધરપકડ કરવામાં આવી હતી. 08 જાન્યુઆરી 2022ના રોજ મધ્યરાત્રીએ ભારતીય જળસીમામાંથી આ બોટ પકડવામાં આવી હતી. કથિત બોટને આંતરવામાં આવી અને તેઓ શા માટે ભારતની જળસીમામાં આવ્યા હોવાની પૂછપરછ કરવામાં આવી ત્યારે સંતોષકારક જવાબ ના મળતા ICG જહાજે તેમની ધરપકડ કરી હતી. ICGનું જહાજ જોતા જ પાકિસ્તાની માછીમારી બોટે શરૂઆતમાં ત્યાંથી નાસીને પાકિસ્તાનની જળસીમામાં જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ICGના જહાજે વિપરિત હવામાન અને ઓછી વિઝિબિલિટીની સ્થિતિ વચ્ચે પણ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા પાકિસ્તાની બોટને અટકી જવું પડ્યું હતું અને તેને પકડી લેવામાં આવી હતી. કેટી બંદર ખાતે નોંધાયેલી પાકિસ્તાની માછીમારી બોટ યાસીનમાં પ્રારંભિક તપાસ દરમિયાન તેમાંથી અંદાજે 2000 કિલો માછલી અને 600 લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. ધરપકડ કરવામાં આવેલા 10 ક્રૂને વધુ વિગતવાર તપાસ અને સંયુક્ત પૂછપરછ માટે પોરબંદર લઇ જવામાં આવ્યા હતા.