ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલી વર્ષો જૂની જી.વી.જે. હાઈસ્કૂલ પાસે સ્થિત વર્ષો જૂની પ્રાથમિક શાળા (મિડલ સ્કૂલ) કે જે ખૂબ જ જર્જરિત હાલતમાં હોય, આ શાળાને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર, લેખક તથા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીના સંપૂર્ણ આર્થિક સહયોગથી રીનોવેટ કરાવી, નવ નિર્માણ કરવામાં આવ્યું છે.
આ મીડલ સ્કૂલને માતૃ ભાનુબહેન વસંતભાઈ ભટ્ટ નામ આપવામાં આવ્યું છે. વિશ્વવિખ્યાત કલાકાર ડો. જગદીશ ત્રિવેદીના સહયોગથી નિર્માણ પામેલી આ આઠમી શાળાનું ઉદ્ઘાટન આવતીકાલે રવિવારે સવારે 9:30 વાગ્યે પરમ પૂજ્ય કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે રાખવામાં આવ્યું છે.
આ પ્રસંગે અહીંના ધારાસભ્ય અને વન પર્યાવરણ પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોર નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા ખાસ શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
આ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી એસ.જે. ડુમરાણીયા તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.