જામજોધપુરના તાલુુકાના સીદસર ગામમાં પાણીના ટાંકા પાસે રહેતાં શખ્સના મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.67500 ની કિંમતની 135 બોટલ દારૂ મળી આવતાં શખ્સની ધરપકડ કરી તપાસ આરંભી હતી. જામનગરના રણજીતસાગર રોડ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.6000 ની કિંમતની દારૂની બાર બોટલ મળી આવતા અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના સીદસર ગામના પાણીના ટાંકા પાસે રહેતા લાખા બધા ભારાઇના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હેકો ગીરીરાજસિંહ જેઠવા, પો.કો. રમેશ બડિયાવદરા, રાજવીરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પીઆઈ કે.વી. ઝાલા તથા હેકો ગીરીરાજસિંહ જેઠવા, પી.પી. જાડેજા, પો.કો. રવિરાવજસિંહ પરમાર, દિનેશભાઈ કરમુર, રાજુભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, માનસંગભાઈ ઝાપડિયા, અશોકભાઈ ગાગીયા, દિલીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન મકાનમાં તલાસી લેતા રૂા.67,500 ની કિંમતની 135 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો અને 1000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.68,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા રમેશ લાખા ભારાઇ (રહે. જૂનાગઢ) ની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી શાલીગ્રામ હોસ્પિટલ પાસેથી મંગળવારે સાંજના સમયે પસાર થતા નેવીલ જેન્તીભાઇ પટેલ નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.6000 ની કિંમતની 12 બોટલ દારૂ મળી આવતાં પૂછપરછ હાથ ધરતા આ દારૂમાં મોબાઇલધારકની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.