જામનગર શહેરમાં આવેલી આયુર્વેદ કોલોનીમાં રહેતાં પ્રૌઢ ઉપર બે શખ્સોએ તું કેમ્પસમાં બેસવાની કેમ ના પાડશ ? તેમ કહી લોખંડના પાઈપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. જામનગરના દિ.પ્લોટ વિસ્તારમાંથી પસાર થતી યુવતીને એક શખ્સે અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી આયુર્વેદ સ્ટાફ કોલોનીમાં બ્લોક નં. સી-8 માં રહેતાં અનિરૂધ્ધસિંહ બચુભા સોઢા નામના પ્રૌઢને રવિવારે બપોરના સમયે દેવેન્દ્રસિંહ ઝાલા તથા કૌશિક નામના શખ્સે આંતરીને તુ અમને અહીં કેમ્પસમાં બેસવાની ના કેમ પાડશ ? તેમ કહી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો અને શરીરે ઈજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગેની જાણના આધારે પીએસઆઇ એસ.વી. સામાણી તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના દિ.પ્લોટ 58 માં રહેતી કાજલબેન નામની યુવતી શનિવારે રાત્રિના સમયે દિ.પ્લોટ 60 માંથી તેના ભાઈના ઘરે જમવાનું લેવા જતી હતી ત્યારે લાલો ભાનુશાળી નામના શખ્સે આવીને યુવતીને અપશબ્દો બોલવા લાગતા તેણીએ અપશબ્દો બોલવાની ના પાડતા શખ્સે મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદના આધારે હેકો એલ.કે. જાદવ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.