જામનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તે રખડતી ગાયોને પકડી લઇ કાર્યવાહી કરી હતી. દરમ્યાન જામનગરના એક શખ્સે અન્ય વ્યકિતની ગાયોને પોતાની ગાયો હોવાનું જણાવી ખોટી ઓળખ આપી ત્રણ ગાયોને લઇ જતાં ગાયોના સાચા માલિક દ્વારા શખ્સ વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.
બનાવની વિગત મુજબ જામનગરમાં રહેતાં વિજયભાઇ ડાયાભાઇ રાતડિયા નામના યુવાનની ત્રણ ગાયો મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ શાખા પકડીને લઇ ગઇ હતી. ત્યારબાદ આ અંગેની જાણ થતાં વિજય ગુરૂવારે સાંજના સમયે તેની ગાયો છોડાવવા માટે જતો હતો ત્યારે બેડેશ્ર્વર વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે પહોંચ્યો ત્યારે સામેથી આવતાં જીજે03-એએક્સ-3475 નંબરના છોટાહાથીમાં વિજયની ત્રણ ગાયો લઇ જતાં હોવાનું જણાતા વિજય હાંફળો ફાંફળો થઇ મહાનગરપાલિકાએ દોડી ગયો હતો. જ્યાં તેણે તેની ત્રણ ગાયો અન્ય કોઇ વ્યકિત લઇ ગઇ હોવાની જાણ કરતાં મહાનગરપાલિકાના કર્મચારી રાજેન્દ્રસિંહ સતાજી જાડેજાએ જામનગરના ગોરધનપરમાં રહેતા રોહિત પપ્પુ ભરવાડ નામનો શખ્સ વિજય રાતડિયાની ગાયો લઇ ગયો હોવાનું ખુલ્યું હતું.
જેના આધારે રાજેન્દ્રસિંહએ રોહિત પપ્પુ ભરવાડ નામના શખ્સ વિરૂઘ્ધ પોતાની ગાયો ન હોવા છતાં ગાયોના માલિક તરીકે ખોટી ઓળખ આપી, મહાનગરપાલિકાના દંડની પહોંચ બતાવી ગાયોના ખોટા માલિક બની, ગાયો લઇ જઇ છેતરપિંડી આચર્યાની ફરિયાદ સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફએ ગણતરીના કલાકોમાં જ રોહિત ભરવાડને ઝડપી લઇ આગળની કાર્યવાહ હાથ ધરી હતી.


