કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના શખ્સ દ્વારા આઈ.પી.એલ. પર ક્રિકેટનો અખાડો ચલાવતા એલ.સી.બી. પોલીસે દબોચી લઈ અને મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં જુદા-જુદા ગામોના અન્ય અડધો ડઝન જેટલા શખ્સોના નામ જાહેર થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલ.સી.બી. પોલીસ દ્વારા શનિવારે કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ તથા અરજણભાઈ મારુને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા મુકેશ ભગવાનજીભાઈ બારાઈ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં હાલ ચાલી રહેલા આઈપીએલના ક્રિકેટ પર હૈદરાબાદ અને લખનઉની ટીમ પર ઓનલાઈન આઈ-ડી બનાવી અને રનફેર તથા હારજીતના પરિણામના સોદાઓ કરી અને ક્રિકેટના સટ્ટાનો જુગાર રમાડવામાં આવતો હતો.
જેથી પોલીસે આ શખ્સની રૂા. 40,150 રોકડા તથા રૂા.13,000 ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન, રૂા. 10,000 ની કિંમતનું એક એલ.ઈ.ડી. ટી.વી. વિગેરે મળી કુલ રૂા. 63,650 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. આ શખ્સની પૂછપરછમાં લાંબા ગામના રાજશી રાવલીયા, વિજયભા માણેક, રાહુલ ભીમશીભાઈ ધોકીયા, ગાંધવી ગામના મેર ભરત હાજા કુછડિયા અને મનસુખભાઈ રામદતી નામના શખ્સો ઉપરાંત ઝડપાયેલો આરોપી મુકેશ બારાઈ જેની પાસે લખાવતો હતો તે ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતો કિંગભાઈ નામનો શખ્સ કે જેનો નાણાકીય હિસાબ તે પોતાની પાસે રાખતો હતો, આ શખ્સોના નામ તેમજ મોબાઈલ નંબર પોલીસમાં જાહેર થયા છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલ, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, ડાડુભાઈ જોગલ, દિનેશભાઈ માડમ, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, વિશ્વદિપસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.