દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 58,077 નવા કેસ નોંધાયા છે. 24 કલાક દરમિયાન 1,50,407 લોકો કોરોનામાંથી સાજા થયા અને 657 લોકોના કોરોનાથી મોત થયા. અત્યાર સુધીમાં દેશમાં કોરોના કેસની કુલ સંખ્યા 4,25,36,137 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, દેશમાં 6 લાખ 97,802 સક્રિય કેસ છે.
ભારત સહીત ગુજરાતમાં પણ કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ગઈકાલે નવા 2275 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 21437 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 143 લોકો વેન્ટીલેટર પર છે. 21294 લોકો સ્ટેબલ છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટતા હવે માત્ર 8 મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યું રાખવામાં આવ્યું છે. અને તેના સમયમાં ઘટાડો કરવામાં આવતા હવેથી રાત્રીના 12થી સવારે 5 વાગ્યા સુધી જ કર્ફ્યું રહેશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, ‘ ચાર રાજ્યો – કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટકમાં કોવિડ-19ના 50,000થી વધુ સક્રિય કેસ છે. મુંબઈમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 અઠવાડિયાથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી 95% બેડ ખાલી છે.