જામનગર જિલ્લાના ઝાખર ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાંથી મેઘપર પોલીસે રેઈડ દરમિયાન રૂા.58.38 લાખની કિંમતની ઈંગ્લીશ દારૂની 11676 બોટલ દારૂ અને એક ટે્રકટર ટ્રોલી, બાઈક, કાર અને મોબાઇલ સહિત રૂા.63.33 લાખના મુદ્ામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બે શખ્સોની શોધખોળ આરંભી હતી.
મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાખર ગામની સીમમાં આવેલી જાદવભાઈના ખેતરમાં નથુ હમીર કનારા પાસેથી ભાડે મકાન રાખી તેમાં દારૂનો મોટો જથ્થો વેચાણ માટે મંગાવ્યો હોવાની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી મેઘપર પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.39,66,000 ની કિંમતની મેકડોવેલ્સ નંબર 1 ની 7932 બોટલ અને રૂા.11,34,000 ની કિંમતની રોયલ ચેલેન્જની 2268 નંગ બોટલ તથા રૂા.7,38,000 ની કિંમતની ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રિઝર્વની 1476 બોટલ દારૂ સહિત કુલ રૂા.58,38,000 ની કિંમતની 11676 બોટલ દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો અને એક ટે્રકટર ટ્રોલી, એક બાઇક, એક કાર અને એક મોબાઇલ સહિતનો રૂા.4,95,000ની કિંમતના વાહનો મળી કુલ રૂા.63,33,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે રેઈડ દરમિયાન રૂા.58.38 લાખની કિંમતની 11676 બોટલ દારૂ અને રૂા.4.95 લાખની કિંમતના વાહનો અને મોબાઇલ મળી કુલ રૂા.63,33,000 નો મુદ્દામાલ સાથે ઉદરાજ ઉર્ફે ઉદો નાથસુર સુમાત (ધંધો-માલધારી, રહે. જોગવડ તળાવનેશ, સરકારી સ્કૂલ સામે) રાજેશ દેવશી મેઘવાર (ધંધો-નોકરી, રહે.જોગવડ પાટીયા, રાણીશીપ સોસાયટી) નામના બે શખ્સોને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં જોગવડનો ખીમરાજ ઉર્ફે ખીમો નાથસુર સુમાત અને નથુ હમીર કનારા નામના બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અને બે શખસોની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તેમજ અન્ય બે શખ્સોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.