Monday, December 15, 2025
Homeસમાચારરાષ્ટ્રીયગ્રીસ પહોંચેલા પ્રધાનમંત્રીનું શાનદાર સ્વાગત

ગ્રીસ પહોંચેલા પ્રધાનમંત્રીનું શાનદાર સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે લગભગ 9 વાગે યુરોપિયન દેશ ગ્રીસની રાજધાની એથેન્સની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર વિદેશ મંત્રી જ્યોર્જ જેરાપેટ્રિટિસે મોદીનું સ્વાગત કર્યું હતું. આ પછી એથેન્સની એક હોટલની બહાર ભારતીય મૂળના લોકોએ ઢોલ-નગારાં સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. બ્રિકસ સમિટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય પ્રવાસ પર યુરોપિયન દેશ ગ્રીસ પહોંચી ગયા છે. તેઓ શુક્રવારે એથેન્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યા હતા. 40 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ગ્રીસની મુલાકાતે છે. આ પહેલાં 1983માં ઈન્દિરા ગાંધી ગ્રીસ ગયાં હતાં. ગ્રીક સિટી ટાઈમ્સના અહેવાલ મુજબ પીએમ મોદી સાથે 12 ભારતીય ઉદ્યોગપતિઓ પણ એથેન્સ પહોંચ્યા છે. ગ્રીસના બિઝનેસમેન સાથે તેમની મુલાકાત કરાવવામાં આવશે. બંને દેશો વચ્ચે વેપાર, ટેક્નોલોજીથી લઈને સંરક્ષણ સહયોગ પર ચર્ચા થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રીસ લાંબા સમયથી ભારતની બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ ખરીદવામાં રસ દાખવી રહ્યું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીના ગ્રીસ પ્રવાસ પર ભારતનું બ્રહ્માસ્ત્ર કહેવાતા બ્રહ્મોસ મિસાઈલ મેળવવા માટે ડીલ થઈ શકે છે.તુર્કી કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ જઈને પાકિસ્તાનનું સમર્થન કરે છે. એટલું જ નહીં પાકિસ્તાન અને ઈરાન ઝડપથી સંરક્ષણ ભાગીદારી વધારી રહ્યા છે. એપ્રિલ 2023માં તુર્કીએ પાકિસ્તાનને બરયાકતાર TB2 ડ્રોન આપ્યા હતા. આ ડ્રોને રશિયા-યુક્રેન યુદ્ધમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. પાકિસ્તાનને આ ડ્રોન મળવું એ ભારત માટે જોખમથી ઓછું નથી. ભારતીય વાયુસેનાના વડા વીઆર ચૌધરી ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પાક-તુર્કી ગઠબંધન તોડવા માટે ગ્રીસ ગયા હતા. આ દરમિયાન ડ્રોન ટેક્નોલોજી પર કામ કરવા માટે બંને દેશોમાં વાતચીત થઈ હતી. ખરેખરમાં ડ્રોનના ખતરાને જોતા તુર્કીનો દુશ્મન ગ્રીસ હવે ભારતને સાથ આપવા તૈયાર છે. ગ્રીસ આ ડ્રોનના રડાર સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા ભારત સાથે શેર કરી શકે છે. બરયાકતાર ડ્રોનની નાની સાઈઝને કારણે તેમને રડાર પર શોધવા મુશ્કેલ છે. આવી સ્થિતિમાં, ભારત સાથે શેર કરવામાં આવેલી માહિતી ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. તેના બદલામાં ભારત ગ્રીસને બ્રહ્મોસ આપી શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular