ગુજરાત રાજયમાં છેલ્લાં ઘણાં સમયથી કોરોના મહામારીનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ મહામારીને અટકાવવા માટે રાજયસરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રી કર્ફયુ લાગુ કરાયો છે. તેમજ આ મહામારી અને કર્ફયુ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એક વખત જણાવ્યું હતું કે, સંપૂર્ણ લોકડાઉન અંગે હાલમાં કોઇ વિચારણા નથી.
ગાંધીનગરના આરસોડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોવિડ કેર સેન્ટરની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે,ગુજરાતમાં શહેરોમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. ગામડાઓમાં સંક્રમણ અટક્યુ છે ત્યારે ગામડાઓમાં જ કોરોનાને અટકાવી દેવાનો છે.ગામડાઓમાં જ આઇસોલેશન સેન્ટર બનાવવામાં આવી રહ્યાં છે.કોરોનાના દર્દીઓને ગામડાઓમાં જ સારવાર મળે તેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસો આધારે લોકડાઉન કરવામાં આવી રહ્યુ છે. ગુજરાતમાં કેસો ઘટી રહ્યાં છે તેવો ઉલ્લેખ કરતાં રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે,ગુજરાતમાં લોકડાઉનનો કોઇ વિચાર નથી. કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ કરી લેવામાં આવી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે,આગામી તા.15મી મે સુધીમાં વધુ 11 લાખ રસીનો ડોઝ ગુજરાત પહોંચી જશે. જેમ જેમ રસીનો જથ્થો આવશે તેમ તેમ લોકોને રસી આપવામાં આવશે.