ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તાર તરફ જતા માર્ગે એક ખેતરમાં આજરોજ બપોરે એકાએક આગ લાગતા ફાઈટર ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં આવેલા રામનાથ મંદિરથી રામનગર વિસ્તાર તરફ જતા માર્ગે (ગરેડા)માં આજરોજ બપોરે આશરે એક વાગ્યાના સમયે એક ખેતરમાં રહેલા ડૂચામાં એકાએક ભાગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આ ખેતરમાંથી આગના તણખા બાજુમાં આવેલા અન્ય એક ખેતરમાં ફેલાઈ જતા અહીં પણ આગ પ્રસરી ગઈ હતી.
આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના જવાનો ફાયર ફાઈટર સાથે દોડી ગયા હતા અને પાણીનો અવિરત મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવેલ નથી. આગના પગલે થોડો સમય ભય સાથે દોડધામ મચી જવા પામી હતી.