જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લેઉવા પટેલ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રણજીતનગર પાસે કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ ખાતે યોજાયો હતો. યોજાયેલ તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહમાં ધો. 1 થી 12 સુધીના તમામ ક્ષેત્રે ઝળકેલા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે 5-નવનતપુરી ધામ, ખિજડા મંદિરના આચાર્ય 108 કૃષ્ણમણિ મહારાજ, ગુજરાત રાજ્યના કૃષિ અને ગૌ સંવર્ધન તેમજ પશુપાલન વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી રાઘવજીભાઇ પટેલ, જામનગર 79-ના ધારાસભ્ય આર.સી. ફળદુ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, મંત્રી લવજીભાઇ વાદી, ઉપપ્રમુખ કૈલાશભાઇ વેકરીયા, સહમંત્રી રમેશભાઇ વેકરીયા, જિલ્લા સરકારી વકીલ જમનભાઇ ભંડેરી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. પી.બી. વસોયા, ગંગદાસભાઇ કાછડીયા, નાથાભાઇ મુંગરા, જામનગર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા, જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વપ્રમુખ તુલસીભાઇ ગજેરા, ઉપરાંત જામનગર મહાપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ લેઉવા પટેલ સમાજ જામનગરના હોદ્ેદારો અને કારોબારી સભ્યો સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં અને તેજસ્વી વિદ્યાર્થીઓને પરીક્ષામાં સિધ્ધિ હાસલ કરવા બદલ મેડલ અને સર્ટિફીકેટ આપી સમાજના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતાં. આવનાર સમયમાં પણ વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે અને કારકિર્દી ક્ષેત્રે આગળ વધે તે માટે ઉપસ્થિત મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલે વિદ્યાર્થીઓને ઉચ્ચતર સિધ્ધિ હાસલ કરવા બદલ અભિનંદન પાઠવતાની સાથે ઉતરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે પ્રકારનો શૈક્ષણિક કાર્યક્રમ યોજવા બદલ સમાજના હોદ્ેદારોને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે મંત્રી રાઘવજીભાઇ પટેલે સફળતા મેળવેલ વિદ્યાર્થીઓને વધુ મહેનત કરી ઉત્તરોત્તર પ્રગતિ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. સાથે અન્ય નબળા વિદ્યાર્થીઓને પણ નિષ્ફળતાથી હારી ન જઇને અથાગ્ મહેનતથી સફળતાના શિખરો સર કરવા આહવાન કર્યું હતું.
પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, જે સમાજ તેમની આવતી પેઢીઓનું કલ્યાણ ઇચ્છે છે જે સમાજ તેની સારસ્વત પેઢી નિર્માણ કરવા માગે છે એ સમાજે કેટલાંક પાયાના કામોની ઉપાસના કરવી પડે છે તેમ જણાવી વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચતર ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી.
આ તકે તેજસ્વી પ્રતિભા સન્માન સમારોહમાં આશિર્વાદ પાઠવવા માટે ખાસ પધારેલા 5-નવનતપુરીધામ, ખિજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણિ મહારાજે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, સમાજને આગળ લાવવા માટે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવે તો આવનારા સમયમાં સમાજ માટે આ વિદ્યાર્થીઓ ભવિષ્યના કર્ણધાર બની દેશના સારા નાગરિક બને તે માટે બાળકોને પ્રોત્સાહીત કરવા ખૂબ આવશ્યક છે. આ તકે પટેલ સમાજ દ્વારા ખૂબ મોટાપાયે જે પ્રકારે વિદ્યાર્થીઓના સન્માન થઇ રહ્યા છે. જેને લઇને પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને સન્માનિત થયેલ વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે આશિર્વાદ પાઠવ્યા હતા.
આ તકે સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા શ્રેષ્ઠીઓ અને સમાજના વિધિ ક્ષેત્રે ઝળકેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા પધારેલા તમામ મહાનુભાવોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધારે તેવી શુભકામના પાઠવી હતી આ સાથે આવનાર સમયમાં લેઉવા પટેલ સમાજના વિઝનરી કાર્યોની પણ આછેરી ઝલક આપી હતી.
કાર્યક્રમમાં ધો. 1 થી 12માં ઝળકેલા 1250 જેટલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધો. 10 અને 12 સાયન્સ અને કોમર્સના પ્રથમ આવેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા 1 થી 12ના બીજા ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓને સિલ્વર મેડલનું દાતા જીતેન્દ્રભાઇ કમાણી તરફથી અનુદાન આપવામાં આવ્યું હતું. સમગ્ર ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન ચમનભાઇ વસોયા અને ઘનશ્યામભાઇ અજુડીયાએ કર્યું હતું. અંતમાં સમાજના ખજાનચી કિશોરભાઇ સંઘાણીએ આભાર દર્શન કર્યું હતું.1250 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા