જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન મેદાનમાં સાતમ આઠમ સહિતના જન્માષ્ટમીના મેળા નું આયોજન કરવામાં આવ્યું છે, જે મેળામાં ત્રણ દિવસ દરમિયાન ચાર લાખથી વધુ ની જન્મેદની ઉમટી પડી હતી, અને હૈયે હૈયુ દળાયું હતું. કોરોના કાળના બે વર્ષ બાદ યોજાયેલા શ્રાવણી મેળામાં શહેરીજનો તેમજ ગ્રામ્ય વિસ્તારના ઉત્સવ પ્રેમી લોકોએ મેળાનું ભરપૂર મનોરંજન માણ્યું હતું, અને રંગબેરંગી રોશની થી ઝળહળતા મેળાનો આનંદ ઉઠાવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ શ્રાવણી મેળા નું આયોજન કરવામાં આવે છે. જેમાં બે વર્ષના કોરોના કાળ પછી આ વખતે પ્રદર્શન મેદાનમાં ૧૬ દિવસના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, અને હાલમાં મેળો અમાસ સુધી ચાલુ રહેશે. બે વર્ષ સુધી લોકોએ મેળાનું મનોરંજન માણ્યું નથી, ત્યારે આ વખતે જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુને વધુ ઉત્સવ પ્રેમી લોકો મેળાનો આનંદ માણી શકે, તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જે મેળાના સાતમ આઠમના તહેવારોમાં હકડેઠઠ જન્મમેદની ઉમટી પડી હતી, અને હૈયેહૈયું દળાયું હતું.
સાતમના તહેવારના દિવસે સવારે દસ વાગ્યાથી મેળો શરૂ થયો હતો, અને રાત્રી સુધી ચાલુ રહ્યો હતો. ત્યારબાદ જન્માષ્ટમીના દિવસે પણ વહેલી સવારથી જ જનમેદની ઉમટી પડી હતી. ત્યારબાદ નોમ ના તહેવારે પણ બપોર બાદ મેળો શરૂ થઈ ગયો હતો, અને રાત્રી ભર ચાલ્યો હતો. ત્રણ દિવસના સમયગાળા દરમિયાન ચાર લાખથી વધુ ઉત્સવ પ્રેમી લોકોએ મેળા નું ભરપૂર મનોરંજન માણ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા ના કમિશનર વિજય કુમાર ખરાડી તેમજ સીટી ઇજનેર ભાવેશ જાની અને કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવા વગેરેની ટીમ દ્વારા મેળાનું સંચાલન કરાયું હતું. જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા સહિતના પદાધિકારીઓની ટીમ દ્વારા લોકોના મનોરંજન માટે ૧૬ દિવસના શ્રાવણી મેળાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેના ભાગરૂપે પ્રદર્શન મેદાનમાં મેળો ચાલી રહ્યો છે, અને શહેર જિલ્લાની જનતા મેળાનો ભરપૂર આનંદ ઉઠાવી રહી છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા શ્રાવણી મેળો સારી રીતે યોજી શકાય તે માટે અગાઉના પંદર દિવસથી જ પ્રદર્શન મેદાનને સમથળ બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. ગારા-કીચડ ન થાય તે માટે સંખ્યાબંધ રેતી કાંકરીના ડમ્પરો ઠાલવવામાં આવ્યા છે, જ્યારે પ્રદર્શન મેદાનની દીવાલો તૂટેલી અથવા જર્જરી હતી, તેને પણ રીપેર કરી દઈ સમગ્ર મેળા મેદાન સમથડ બનાવાયું હતું, અને વધુને વધુ જગ્યા ખુલ્લી કરી ઝૂંપડપટ્ટી હટાવી દીધી હતી. જેથી મેળા મેદાનમાં વધુને વધુ લોકો મનોરંજન માણી શકે, તેની આ વખતે વિશેષથી સુવિધા ઉભી કરવામાં આવી હતી.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ દ્વારા પણ આ વખતે ટ્રાફિક નો બંદોબસ્ત સારી રીતે જળવાઈ રહે, તેમજ પોલીસની સુરક્ષા વ્યવસ્થા જળવાયેલી રહે, તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, અને ચારથી પાંચ વખત મેળા મેદાન તેમજ મુખ્ય રોડની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પાર્કિંગની સુવિધા તેમજ નાના પથારા વાળા સહિતના ધંધાર્થીઓ રોડ પર ઉભા ના રહે તે માટે બેરીકેટિંગ કરીને વ્યવસ્થા બનાવાઈ હતી.
આ ઉપરાંત ટ્રાફિક શાખાની અલગથી ટીમો તેમજ હોમગાર્ડના જવાનોની મદદ લઈને કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાવાયા હતા, અને ટ્રાફિકનું મોનિટરિંગ કરાયું હોવાથી લોકો સરળતાથી મેળામાં આવવા જવા માટે ની અવરજવર કરી રહ્યા હતા. એકંદરે સાતમના દિવસે છૂટા છવાયા વરસાદી ઝાપટાં પછી આઠમ અને નોંમના દિવસોમાં મેઘરાજા એ વિરામ રાખતાં લોકોએ ભરપૂર મનોરંજન માણ્યું હતું, ઉપરાંત રાઇડના સંચાલકો, ખાણીપીણીના સ્ટોલ ધારકો, તેમજ અન્ય ધંધાર્થીઓને પણ તડાકો પડ્યો હતો, અને તમામ ધંધાર્થીઓ ભરપૂર કમાયા છે.