કેરળમાં ડાબેરી સંગઠનો તથા રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ વચ્ચેની સતત સર્જાઈ રહેલી ટકકરમાં આજે સવારે રાજયના કુન્નુર જીલ્લાના પટયાનુરમાં આરએસએસના કાર્યાલય પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે અફડાતફડી મચી ગઈ હતી. જો કે આ બોમ્બ ઓછો શક્તિશાળી હતો અને સંઘ ઓફીસના બારીઓના કાચ તૂટી ગયા હતા તે સિવાય કોઈ નુકશાન થયું ન હતું. પોલીસે આ ઘટનામાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ ચાલુ કરી છે.
આ હુમલામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ જીલ્લામાં સંઘની શાખાઓનું કામકાજ સતત વધતુ રહ્યું છે અને અનેક ડાબેરી સંગઠનો દ્વારા તેનો હિંસાથી વિરોધ થયો હતો તે સમયે આ પ્રકારનો હુમલો એ ફકત સંઘના કાર્યકર્તાઓને ડરાવવા માટે હોઈ શકે છે. અહીથી પોલીસ સ્ટેશન 100 મીટર પર જ દૂર છે અને હુમલાખોરોએ અત્યંત જવલનશીલ પદાર્થની મદદથી આ દેશી બોમ્બ બનાવ્યો હતો.