જામનગર-ખંભાળિયા હાઇ-વે પર બેડ ગામ નજીકથી બાઈક પર પસાર થતા યુવાનને પૂરઝડપે બેફીકરાઇથી આવતી ઈકો કારે રોંગ સાઇડમાં આવી બાઈકને હડફેટે લેતા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં પોલીસે કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મેડી ગામમાં રહેતાં કરશન મિરોડિયા નામનો યુવાન તેના પિતરાઇ સામતભાઈ સાથે સોમવારે જીજે-10-બીએલ-8836 નંબરની બાઈક પર જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ગામ નજીક આવેલી હોટલ પાસેથી પસાર થતા હતા ત્યારે રોંગસાઈડમાં પૂરઝડપે બેફીકરાઇથી આવેલી જીજે-10-બીઆર-4892 નંબરની ઈકકો કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી હડફેટે લેતા અકસ્માતમાં બાઈક ચાલક કરશન મચ્છાભાઈ મિરોડિયા (ઉ.વ.22) નામના યુવાનને પેટના ભાગે અને ડાબા ગોઠણમાં તથા બન્ને હાથમાં સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે બાઇકમાં પાછળ બેસેલા સામતભાઈને માથાના ભાગે ગંભીર અને શરીરમાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
ત્યારબાદ ઈજાગ્રસ્ત બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન સામતભાઈ નામના યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઈજાગ્રસ્ત કરશન દ્વારા જાણ કરાતા પીએસઆઇ વાય.બી. રાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઈકકો કારચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.