અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપડિપ્રેશનથી રાજ્યમાં સંભવત: વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે જામનગર સહિત હાલારમાં વહીવટી તંત્ર સજ્જ થયું છે. જામનગરમાં સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાને લઇ રોઝિ બંદર ઉપર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ શિપીંગ બોટો પણ દરિયાકાંઠે લાંગરી દેવાઇ છે.
અરબી સમુદ્રમાં ડિપડિપ્રેશન સર્જાયું છે અને આ ડિપડિપ્રેશન ચક્રાવાતમાં ફેરવાઇ તેવી સંભાવના વચ્ચે ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનો ખતરો દર્શાવાઇ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શકયતા દર્શાવાઇ છે. હવામાન વિભાગ દ્વારા વાવાઝોડુ ક્યાં ચક્રાશે તે હજૂ ચોક્કસ નથી જણાવાયું. પરંતુ વાવાઝોડાની સંભવિત આગાહીને ધ્યાને લઇ જામનગર જિલ્લા વહીવટી તંત્ર પણ સજ્જ થઇ ગયું છે. જામનગરમાં રાઉન્ડ-ધ-કલોક ડિઝાસ્ટર કંટ્રોલ રુમ કાર્યરત કરવામાં આવ્યો છે. જે તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખી રહ્યો છે. તેમજ તાલુકા કક્ષાએ પણ કંટ્રોલ રુમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જામનગર જિલ્લા કલેકટર બી.એ. શાહએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં 22 જેટલા ગામો દરિયા કિનારે આવેલા હોય. તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે તથા એનડીઆરએફની ટીમ સાથે પણ કો.ઓર્ડિનેશન કરવામાં આવ્યું છે અને વાવાઝોડાની પરિસ્થિતિમાં દરિયા કિનારે આવેલા 22 જેટલા ગામોના 70000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર સજ્જ છે.
જામનગરમાં રોઝી બંદર ઉપર સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે મંગળવાર રાત્રીથી બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જામનગર શહેરમાં પણ પવનની ગતિ વધી રહી છે. તો બીજીતરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા સાથે જોડતી ગોમતિ નદીમાં પણ 10થી 15 ફૂટ ઉંચા મોઝા ઉછળતા જોવા મળ્યા હતાં.