રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે હવે હિંમતનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યું થયું છે.
ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. હિંમતનગરમાં 21 વર્ષીય યુવાન કેવિન રાવલનું હાર્ટ એટેકથી મોત થયું છે. ગઈકાલે મોડી રાત્રે કેવિન રાવલ તેના ઘરમાં ઢળી પડ્યો હતો જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યા તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. કેવિન રાવલે રોબોટિક્સ સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અચાનક યુવાન પુત્રના અકાળે મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં હતા.
હજુ ત્રણ દિવસ પહેલા જ અમદાવાદના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. હર્ષ સંઘવી નામનો યુવક રાજસ્થાન તીર્થ યાત્રાથી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આ ઉપરાંત જામનગર અને સુરતમાં હાર્ટ એટેકના બે બનાવ બન્યા હતા, જેમાં જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેકિટ્સ કરતાં હૃદય રોગના હુમલાથી અપમૃત્યુ થયુ હતું અને સુરતના કતારગામ GIDC વિસ્તારમાં યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હતું.