ખંભાળિયામાં રહેતો આશરે 16 વર્ષનો તરુણ આજથી આશરે પાંચ દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ બુધવારે રાત્રે તેનો નિષ્પ્રાણ દેહ ગટરના સમ્પમાંથી મળી આવ્યો હતો. ત્યારે આ તરુણની હત્યા નિપજાવી અને તેના સોનાના ચેનની લૂંટ ચલાવવા સબબ તરુણના પિતા દ્વારા તેના મિત્ર સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયામાં શાંતિ નિકેતન સોસાયટી વિસ્તારમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે કામ કરતા અનિલભાઈ મનોજભાઈ વાઘેલા નામના 36 વર્ષના યુવાનના ત્રણ પુત્રો પૈકી આશરે સાડા 15 વર્ષનો મોટો પુત્ર કેતન ગત તારીખ 16 ના રોજ રાત્રિના સમયે તેમના ઘરે મહેમાન આવ્યા હોવાથી તેમના જી.જે. 10 બીડી 3698 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને તેમના મિત્ર હર્ષ નાઘેરાના ઘરે જવા માટે નીકળ્યો હતો.
કેતન તેના મિત્ર હર્ષના ઘરે અવારનવાર જતો હતો અને મોડી રાત્રી સુધી ત્યાં રહેતો હતો. ત્યારે ગત તારીખ 16 મી ના રોજ રાત્રિના બે વાગ્યે થોડીવારમાં આવું છું તેમ કહીને ગયેલો કેતન મોડે સુધી પોતાના ઘરે પરત ન કરતા રાત્રે બે વાગ્યે કેતનના પિતા અનિલભાઈએ તેને ફોન કરીને કહેતા કેતને “થોડીવારમાં આવું છું” તેમ કહ્યું હતું. આ પછી પણ તે મોડે સુધી પરત ન ફરતાં પિતાએ પુન: ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને તે ઘરે પરત ફર્યો ન હતો.
આ પછી અનિલભાઈ તેમના પત્ની તેમજ પુત્ર સાથે હર્ષના ઘરે તપાસ કરવા જતા હર્ષે ઘરનો દરવાજો ખોલ્યો હતો. તેની પૂછપરછ કરતા હર્ષે જવાબ આપ્યો હતો કે કેતન અહીં આવ્યો હતો. પરંતુ રાત્રે 12:30 વાગ્યે નંબર પ્લેટ વગરના મોટરસાયકલ પર મોઢા પર રૂમાલ બાંધીને આવેલા તેમના બે મિત્રોને કેતન ચા પાણી પીવડાવવા માટે જવાનું કહીને ચાલ્યો ગયો હતો. આ વચ્ચે હર્ષના ઘરે કેતનના ચપ્પલ પણ હતા. જેની પૂછપરછમાં કેતન અહીં ચપ્પલ મૂકી ગયો હોવાનું તેણે જણાવ્યું હતું. આટલું જ નહીં, તેનું મોટરસાયકલ પણ અનિલભાઈને સામેની ગલીમાં જોવા મળ્યું હતું.
આ પછી બીજા દિવસે તારીખ 17 ના રોજ પણ કેતન ઘરે પરત ફર્યો ન હતો. તેની તપાસમાં હર્ષ પણ સાથે હતો. ત્યાર બાદ કે હર્ષે મારે બહાર ગામ જવું છે તેમ કહી અને જતો રહ્યો હતો અને આ રીતે તે નાશી છૂટ્યા બાદ તે પરત આવ્યો ન હતો. આ પરિસ્થિતિમાં બુધવારે રાત્રે આશરે 9:30 વાગ્યાના સમયે અહીંના રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા કબ્રસ્તાન નજીક રોડની એક સાઇડમાં રહેલા નગરપાલિકાની ગટરના સમ્પમાં કેતનનો કોહવાઈ ગયેલો મૃતદેહ સાંપળ્યો હતો.
અહીં કેતનના ગળાના ભાગે તેમજ કાનના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આટલું જ નહીં, કાયમી રીતે ગળાના પહેરતો સોનાનો ચેન પણ કેતનના ગળામાં ન હતો. ગઈકાલે ગુરુવારે કેતનના મૃતદેહનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવતા ગળા પરની ઈજા તેના મોતનું કારણ હોવાનું જાહેર થયું હતું. આટલું જ નહીં, રૂપિયા 96,000 જેટલી કિંમતનો એક તોલા સોનાનો ચેન પણ ગાયબ હોવાથી મૃતકના પિતા અનિલભાઈ વાઘેલાએ હર્ષ દામજીભાઈ નાઘેરા સામે પોતાના પુત્રનું ખૂન કરી, લૂંટ ચલાવી અને લાશ ગટરના સમ્પમાં ફેંકી દીધી હોવાનું વિધિવત રીતે પોલીસમાં જાહેર કર્યું છે.
આ સમગ્ર બનાવ સંદર્ભે પોલીસે આરોપી હર્ષ દામજીભાઈ નાઘેરા સામે ભારતીય ન્યાય સહિતા સહિતની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, હર્ષ દ્વારા કેતનનું સોનાના ચેન માટે કાસળ કાઢવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પણ આગળની તપાસ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ પી.આઈ. સી.એલ. દેસાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે.