દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ મનાતા ઓખા નજીકના દરિયાની આંતરરાષ્ટ્રીય જળસીમા પાસેથી બે દિવસ પૂર્વે 6 પિસ્તોલ, 12 મેગેઝીન અને 120 જેટલા કારતુસ સાથે નીકળેલા 10 પાકિસ્તાની શખ્સોને એ.ટી.એસ.ની ટીમ તથા ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલી અલ સોહેલી બોટમાંથી રૂા 280 કરોડનું ડ્રગ્સ ભારતમાં ઘુસાડવામાં આવે તે પહેલા જ પોલીસે પકડી પાડ્યું હતું.
આ પ્રકરણમાં છ આરોપીઓને સૌ પ્રથમ કોસ્ટ ગાર્ડની ‘અરિંજય’ બોટ મારફતે ઓખા લાવવામાં આવ્યા હતા. તે પછી ડ્રગ્સ લાવવા માટે વપરાયેલી અને કરાંચીમાં રજિસ્ટર્ડ થયેલી ‘અલ સોહલી’ બોટને અન્ય બોટ સાથે ટોર્ચન કરીને ઓખા લાવવામાં પહોંચાડવામાં આવી હતી. જેમાં ચાર પાકિસ્તાની નાગરિકો અત્રે લાવવામાં આવ્યા હતા. જ્યાં એટીએસ તથા અન્ય એજન્સીઓના ટોચના અધિકારીઓ દ્વારા સઘન પૂછતાછ કરવામાં આવી હતી. ત્યારબાદ બુધવારે મોડી રાત્રે ઝડપાયેલા આ તમામ આરોપીઓને ઓખાના ન્યાયાધીશના નિવાસ્થાને રજૂ કરવામાં આવતા આ આરોપીઓના આગામી તા. 10 જાન્યુઆરી સુધીના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
સમગ્ર કાર્યવાહી અત્યંત ખાનગી
એટીએસની કાર્યપ્રણાલી પ્રમાણે આ સમગ્ર ઓપરેશન તથા રિમાન્ડ સહિતની કાર્યવાહી સંપૂર્ણપણે ખાનગી રીતે કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઓપરેશન પ્રક્રિયાની માહિતી સ્થાનિક પત્રકારોને પણ આપવામાં આવી નથી. એટલું જ નહીં, સ્થાનિક પોલીસને પણ ક્યાંય સાથે રાખવામાં આવી ન હતી. તમામ આરોપીઓને કોસ્ટ ગાર્ડની કચેરીએ જ રાખવામાં આવ્યા હતા. ત્યાં જ પૂછપરછ તથા ગુનેગારો સામેની કાર્યવાહી અને જરૂરી વિગતે ઓકાવવાની કામગીરી પણ ખાનગી રીતે કરવામાં આવ્યાનું કહેવાય છે. આ સમગ્ર ઘટનામાં વધુ વિગતો પણ મળશે તેવી સંભાવના સાથે સમગ્ર ઘટનાની તપાસનો દૌર હવે અમદાવાદ ખસેડાયો છે. હાલ આ સમગ્ર પ્રકરણની તપાસમાં હોનહાર આઈ.પી.એસ. અધિકારી દીપન ભદ્રન, સુનિલ જોશી, ઓમ પ્રકાશ તથા સાથે કે કે. પટેલ, પી.આઈ. કોરાટ, પટેલ ગુર્જર, ચૌધરી સહિતના અધિકારીઓ જોડાયા છે. આગામી દિવસોમાં રિમાન્ડ દરમિયાન વધુ મહત્વની વિગતો ખુલવા પામે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિવિધ તપાસના મુદ્દે રિમાન્ડની માંગણી
પાકિસ્તાનના હાજી સલીમ બ્લોચ દ્વારા રૂા. 280 કરોડનો ડ્રગ્સનો આ જથ્થો લઈને નિકળેલા 10 પાકિસ્તાનીઓ ગુજરાતમાં કયા દરિયા કાંઠે, કોની સાથે સેટિંગ કરીને ક્યાં આ મુદ્દામાલ ઉતારવાના હતા, ત્યાંથી આ માલ સામાને ક્યાં-ક્યાં લઈ જવાનો હતો, આ માટે નાણાકીય વ્યવસ્થામાં કોણ મદદરૂપ થવાનું હતું, પકડાયેલા આ શખ્સોએ આ પ્રકારે ડ્રગ્સની કેટલી વાર અને ક્યાં-ક્યાં હેરાફેરી કરી હતી, ભારતના કોણ કોણ વ્યક્તિ તેની મદદરૂપ છે. અહીં આ મુદ્દામાલ બાબતે ક્યા મોબાઈલ નંબર પર જાણ કરવાની હતી, કયા સ્થળે તેઓને મળવાનું હતું? તેની તપાસ સાથે પાકિસ્તાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઉતારવાના અને ભારતના કયા કયા વિસ્તારોમાં આ ડ્રગ્સ મોકલવાના નેટવર્કમાં કોણ કોણ સામેલ છે?, તેમના મોબાઈલ નંબરો, લોકેશન, આંતરરાષ્ટ્રીય હેરાફેરીમાં પાકિસ્તાન સિવાય અન્ય કોઈ દેશ પણ આમાં જોડાયેલ છે કે કેમ? સહિતના વિવિધ મુદ્દાઓનો તાગ મેળવવાના મુદ્દે રિમાન્ડ દરમિયાન ઊંડી તપાસ હાથ ધરવામાં આવનાર છે. બુધવારે મોડી રાત્રે એટીએસની ટુકડીઓ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મેળવી, વધુ કાર્યવાહી માટે એટીએસ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવા માટે રવાના થઈ ગયા છે.