આર્થિક મોરચે દેશ માટે ગઇકાલે સારા અને માંઠા સમાચારો આવ્યા છે. સારા સમાચાર એ છે કે, રિટેઇલ ફુગાવો 11 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. નવેમ્બરમાં રિટેઇલ ફુગાવો 6.77 ટકાથી ઘટીને 5.88 ટકા નોધાયો છે. બીજી તરફ માઠા સમાચાર એ છે કે, ઔોદ્યોગિક ઉત્પાદનમાં ચાર ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે. છેલ્લા 26 મહિનાનો આ સૌથી મોટો ઘટાડો છે. માઇનિંગ અને વિજ ઉત્પાદનમાં નબળા દેખાવને પગલે આ ઘટાડો નોંધાયો છે. ઔોદ્યોગિક ઉત્પાદનના આંકડા ઓકટોબર માસના જાહેર કરવામાં આવ્યા છે. ગઇકાલે સાંજે નવેમ્બર મહિનાના રીટેલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. આ આંકડા મુજબ નવેમ્બરમાં ક્ધઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો ઘટીને 5.88 ટકા નોંધવામાં આવ્યો છે.
આ અગાઉ ઓક્ટોબરમાં રીટેલ ફુગાવો 6.77 ટકા હતો. ગયા વર્ષે નવેમ્બરમાં રીટેલ ફુગાવો 4.91 ટકા હતો. વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવ ઘટતા અને લોન મોંઘી થવાને કારણે રીટેલ ફુગાવામાં ઘટાડો થયો છે. હવે રીટેલ ફુગાવો આરબીઆઇના લક્ષ્યાંક 2 થી 6 ટકાના દાયરામાં આવી ગયો છે. આ પ્રથમ વખત છે જ્યારે મોંઘવારી આરબીઆઇના લક્ષ્યાંકની અંદર છે. ઉલ્લેખનીય છે કે થોડાક જ દિવસ પહેલા આરબીઆઇએ જણાવ્યું હતું કે ફુગાવાના સૌથી ખરાબ દિવસો હવે દૂર થઇ ગયા છે અને ફુગાવો હવે ધીમે ધીમે ઘટશે. જો કે આરબીઆઇએ જણાવ્યું હતું કે તે રીટેલ ફુગાવા પર ચાંપતી નજર રાખી રહી છે અને આગામી 12 મહિના સુધી ફુગાવો ચાર ટકાથી વધુ રહેશે.
ઉલ્લેખનિય છે કે આરબીઆઇએ ગયા સપ્તાહમાં રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કર્યો હતો. આ સાથે જ રેપો રેટ વધીને 6.25 ટકા થઇ ગયો છે. જો કે હવે રીટેલ ફુગાવો ઘટીને 6 ટકાની નીચે આવી ગયો છે ત્યારે હવે આરબીઆઇ વ્યાજ દરોમાં વધારો ન કરે અથવા નજીવો ઘટાડો કરે તેવી શક્યતા છે. નવેમ્બર, 2022માં ખાદ્ય ફુગાવો 4.67 ટકા રહ્યો છે. જે ગયા મહિને એટલે કે ઓક્ટોબર, 2022માં 7.01 ટકા હતો. બીજી તરફ ઓક્ટોબરમાં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ચાર ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે જે છેલ્લા 26 મહિનાનો સૌથી મોટો ઘટાડો છે. માઇનિંગ અને વીજ ઉત્પાદનમાં નબળા દેખાવને પગલે આ ઘટાડો નોંધાયો છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબર, 2022માં દેશનું ઓદ્યોગિક ઉત્પાદન સૂચક આંક (આઇઆઇપી)માં ઘટાડો મેન્યુફેકચરિંગ ક્ષેત્રના ઉત્પાદનમાં ઘટાડો તથા માઇનિંગ અને વીજ ઉત્પાદનમાં નબળા દેખાવને કારણે થયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર મેન્યુફેકચરિંગ ક્ષેત્રના ઉત્પાદનમાં 5.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. એનએસઓના આંકડા અનુસાર એપ્રિલથી ઓક્ટોબર, 2022 સુધીના સમયગાળામાં માઇનિગ ક્ષેત્રનું કુલ ઉત્પાદન ચાર ટકા વધ્યું છે જ્યારે ગયા વર્ષે ઓક્ટોબરમાં માઇનિંગ ક્ષેત્રનું કુલ ઉત્પાદન 20.4 ટકા વધ્યું હતું. આ જ સમયગાળા મેન્યુફેકચરિંગ ક્ષેત્રનું કુલ વૃદ્ધિ દર પાંચ ટકા રહ્યું છે જે ગયા વર્ષે ઓક્ટોબરમાં 21.8 ટકા રહ્યું હતું.