જામનગર શહેરમાં ઘરફોડ ચોરીની ઘટના પોલીસ માટે માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. એક પછી એક ચોરીના બનાવો બનતા જાય છે. પોલીસ એક ડિટેકશન કરે ત્યાં સામે નવી એક ચોરી નોંધાઇ જાય છે. ચોરીના બનાવમાં સમર્પણ જકાતનાકા પાસે આવેલા સુભાષનગર વિસ્તારમાં રહેતાં વેપારી યુવાનના બંધ મકાનના નકૂચા તોડી મકાનના રૂમના કબાટમાંથી રૂા.9200 ની માલમતા ચોરી કરી ગયા હતાં.
એક તરફ વિધાનસભા 2022 ની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને મતદાન શાંતિપૂર્ણ થાય તે દિશામાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ભારે જહેમત ઉઠાવી રહ્યું છે અને આ માટે જરૂરી પગલાં અને કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. ચૂંટણીમાં પોલીસની કામગીરીનો ગેરલાભ ઉઠાવી તસ્કરો છેલ્લાં બે સપ્તાહથી જામનગર શહેરમાં એક પછી એક મકાનમાં ચોરીની વારદાતને અંજામ આપી રહ્યા છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં બે થી ત્રણ દિવસથી વધુ સમયથી બંધ રહેલા મકાનોને નિશાન બનાવી રોકડ અને દાગીનાની ચોરીઓ થઈ રહી છે. જેના કારણે શહેરીજનોમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ ગયો છે. ચોરીના વધુ એક બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં સમર્પણ જકાતનાકા પાસે આવેલા સુભાષનગર શેરી નં.1 માં રહેતાં વેપારી રામભાઈ હાજાભાઈ સોલંકી નામના યુવાનના 1 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી બંધ રહેલા મકાનના મુખ્ય દરવાજાના તસ્કરોએ નકૂચા તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમના કબાટમાંથી રૂા.6500 ની રોકડ રકમ, ચાંદીના સાંકળા 2000 ની કિંમતના અને રૂા.700 ની કિંમતના ચાંદીના પાટલાની જોડી મળી કુલ રૂા.9200 ની માલમતા ચોરી કરી ગયા હતાં. ચોરીના બનાવ અંગે વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર જઇ તપાસ આરંભી તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.