દેશના અલગ અલગ છ રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશામાં કુલ સાત વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે ચાર બેઠકો પર વિજય મેળવીને પ્રભુત્વ જાળવી રાખ્યું છે. શિવસેના, રાજદ અને ટીઆરએસના ખાતામાં એક-એક બેઠકો આવી છે જ્યારે કોંગ્રેસનું ક્યાંય નામો નિશાન દેખાયું નહોતું. ગુજરાતમાં સત્તા પર આવવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટીની હરિયાણામાં આદમપુર બેઠક પર જમાનત પણ જપ્ત થઈ ગઈ હતી.
2024ની લોકસભા ચૂંટણી પહેલાં દેશમાં અલગ-અલગ દિશામાં છ રાજ્યોમાં વિધાનસભાની સાત બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ સાત બેઠકોમાંથી ચાર પર ભાજપે કબજો કર્યો છે. આ પેટાચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય સફળતાને વિપક્ષ માટે ફટકા સમાન જોવામાં આવે છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખિરી જિલ્લામાં કે જ્યાં ભાજપના કેન્દ્રીય મંત્રી અજય ટેનીના પુત્રે ખેડૂત આંદોલન સમયે આઠ ખેડૂતો પર કાર ચઢાવી દઈને ચાર ખેડૂતો, ચાર પત્રકારોના મોત નીપજાવ્યા હતા તે જિલ્લાની ગોલા ગોકર્ણનાથ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અમન ગિરિએ 34,000 કરતાં વધુ મતોથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ બેઠક અમન ગિરિના પિતા અરવિંદ ગિરિના નિધનના કારણે ખાલી પડી હતી.
આ પેટા ચૂંટણીમાં બસપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉતાર્યા નહોતા. તેથી ભાજપના અમન ગિરિ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર વિનય તિવારી વચ્ચે સીધી સ્પર્ધા હતી. ભાજપે સપાને પછાડીને આ બેઠક પોતાની પાસે જાળવી રાખી છે. બિહારમાં શાસક મહાગઠબંધન અને વિપક્ષી રાજદ માટે મુકાબલો બરાબરીનો રહ્યો. અહીં બે બેઠકો પર પેટા ચૂંટણી હતી, જેમાં રાજદ અને ભાજપે અનુક્રમે મોકામા અને ગોપાલગંજ વિધાનસભા બેઠકો પર પોતાનો કબજો જાળવી રાખ્યો હતો. આ વર્ષે ઑગસ્ટમાં રાજકીય ઉથલ-પાથલમાં રાજદના નેતૃત્વમાં મહા ગઠબંધન સત્તામાં આવતા અને ભાજપના બહાર થવાથી પેટા ચૂંટણીમાં બંનેનું પહેલું શક્તિ પ્રદર્શન હતું. રાજદે મોકામા બેઠક પોતાની પાસે જાળવી રાખી હતી, પરંતુ તેની જીતનું અંતર ઘટી ગયું હતું. બીજીબાજુ રાજદ અધ્યક્ષ લાલુ પ્રસાદના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં તેણે ભાજપ સામે પરાજયનો સામનો કરવો પડયો છે.
હરિયાણામાં ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પૌત્ર ભવ્ય બિશ્ર્નોઈએ આદમપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં તેમના નજીકના પ્રતિસ્પર્ધી અને કોંગ્રેસ ઉમેદવાર જયપ્રકાશને હરાવીને પરિવારનો ગઢ જાળવી રાખ્યો છે. ભવ્યના પિતા કુલદીપ બિશ્નોઈએ ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા પછી આ બેઠક ખાલી થઈ હતી. આ બેઠક હવે ભાજપે કોંગ્રેસ પાસેથી કબજે કરી લીધી છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધામાં ભવ્ય બિશ્નોઈએ જયપ્રકાશને 15740 મતોના અંતરથી હરાવ્યા હતા. આ બેઠક પર 1968થી ભજનલાલ પરિવારનું જબરજસ્ત પ્રભુત્વ છે. ભજનલાલે નવ વખત, તેમના પત્ની જસમા દેવીએ એક વખત અને કુલદીપ બિશ્નોઈએ ચાર વખત આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું છે.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ જૂથની શિવસેનાએ મુંબઈની અંધેરી (પૂર્વ) વિધાનસભા બેઠક જાળવી રાખી હતી. ઉદ્ધવ જૂથના ઉમેદવાર રમેશ લટકેના નિધનના કારણે ખાલી થયેલી બેઠક પર ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે શિવસેનાએ રમેશ લટકેનાં પત્ની ઋતુજા લટકેને ઊભા રાખ્યા હતા. ભાજપે આ બેઠક પરથી પોતાના ઉમેદવારને પાછો ખેંચી લેતા ઉદ્ધવની શિવસેના માટે આ બેઠક પર વિજય માત્ર ઔપચારિક્તા સમાન રહી ગયો હતો. તેલંગણાની મુનુગોડે વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીમાં શાસક પક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)એ વિજય મેળવ્યો હતો. ટીઆરએસના ઉમેદવારે ભાજપના નજીકના પ્રતિસ્પર્ધીને 10 હજાર મતોથી હરાવ્યો હતો. આ વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસના ધારાસભ્ય કોમાતીરેડ્ડી રાજ ગોપાલ રેડ્ડીએ પક્ષમાંથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. ઓડિશામાં વિપક્ષ ભાજપે ધામનગર વિધાનસભા બેઠક પોતાની પાસે જ જાળવી રાખી હતી. ભાજપે શસાક બીજુ જનતા દળના ઉમેદવારને 9,881 મતોથી હરાવ્યા હતા. ભાજપના ધારાસભ્ય બિષ્ણુ ચરલણ સેઠીના નિધનના કારણે આ બેઠક ખાલી પડી હતી. ભાજપે આ બેઠક પર સેઠીના પુત્ર સૂર્યવંશરી સૂરજ સેઠીને જ મેદાનમાં ઉતાર્યા હતા, જ્યાં તેમણે 80,351 મતો સાથે વિજય મેળવ્યો હતો જ્યારે બીજુ જનતાદળના ઉમેદવારને 70,470 મત મળ્યા હતા.