મોરબી પુલ હોનારતને પગલે મોટી કાર્યવાહી કરવામાં આવી હોવાનુ સામે આવ્યુ છે. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગે આ પગલુ લીધુ છે.મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ દુર્ઘટના બાબતે ઓરેવા કંપની પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
સમગ્ર દુર્ઘટના બાબતે ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની બેદરકારી સાબિત થતી હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે પ્રાથમિક તપાસમાં ફોરેન્સિક સાયન્સના તજજ્ઞોએ લીધેલા સેમ્પલ બાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ઝુલતા બ્રિજમાં વપરાયેલા મેટલ બોલ્સ, મેટલ ફ્રેમ, મેઇન સસ્પેન્સન રોપ (દોરડું) જૂનું અને કાટ ખાધેલું હતું. તદુપરાંત કોઈપણ બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકતા પહેલાં ગુજરાત એન્જીનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટયુટ (ગેરી) પાસેથી ટેકનિકલ ફીટનેસનું સર્ટિફિકેટ લેવું અનિવાર્ય છે, જે લેવામાં આવ્યું ન હતું. ટૂંકમાં ઓરેવા કંપનીના માલિકોએ મોરબી નગરપાલિકા, જિલ્લા કલેક્ટર અને ગેરીની મંજૂરી લીધી ન હતી. મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડતા 136 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાની દુર્ઘટનામાં પોલીસે આઈ.પી.ક 304 વગેરે ઉપરાંત ફરજમાં બેદરકારી દાખવ્યાની ક. 336, 337નો ઉમેરો કર્યો છે તેમ સરકારી વકીલે જણાવ્યું હતું. આ ઉપરાંત ક. 338નો ઉમેરો પણ પોલીસે કર્યો છે જે નિર્ણય પેન્ડીંગ રખાયો છે.
જ્યારે આ સાથે પોલીસે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને ડીવાય.એસ.પી.કચેરીએ બોલાવીને તેમની આ ગુના સંદર્ભે પુછપરછ કરીને નિવેદન નોંધવામાં આવ્યું જેની વિગતો પોલીસે જાહેર કરી નથી. ઉપરોક્ત કલમો હળવી છે પરંતુ, તેના આધારે કંપનીના એમ.ડી.થી માંડીને નગરપાલિકા સહિત સરકારી અધિકારીની આ ગુનામાં અટક કરાય તેવી સંભાવના ઉભી થઈ છે.