જામનગર શહેરના નવાગામ ઘેડ મધુરમ રેસી.પાસે રહેતાં અને મજૂરી કામ કરતા યુવાન ઉપર તેનો ભાઇ અને ભત્રીજા સહિત ત્રણ શખ્સોએ મકાન વેંચવાની બાબતનો ખાર રાખી લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ મધુરમ રેસી. માં શિવભૂમિ મીલની બાજુમાં રહેતાં કિશોરભાઈ ચુડાસમા નામના શ્રમિક યુવાને રાંદલનગરમાં આવેલું તેનું મકાન વેંચાણ કર્યુ હતું. આ મકાન સંદર્ભે કિશોરનો સગો ભાઈ શૈલેષ અનુભાઈ ચુડાસમા, ભત્રીજો પંકિત શૈલેષ ચુડાસમા અને વિજયસિંહ નામના ત્રણ શખ્સોએ ઘર પાસે આવી બહાર બોલાવી જગદીશ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારતા બનેવી જગદીશને છોડાવવા વચ્ચે પડેલા સાળા વિશાલ ઉપર પણ હુમલો કરી અપશબ્દો કહ્યાં હતાં તેમજ સાળા-બનેવીને ત્રણેય શખ્સોએ પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા સાળા-બનેવીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગેની જાણ થતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે કિશોર ચુડાસમાના નિવેદનના આધારે તેના ભાઇ અને ભત્રીજા સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.