પ્રખ્યાત યાત્રાધામ બેટ દ્વારકા સ્થિત હાજી કીરમાણીની દરગાહ પાસે ગઈકાલે શુક્રવારે સવારે બે યુવાન દરિયામાં કોઇ કારણોસર ખાબક્યા બાદ દરિયામાં ડુબી ગયા હતા. આથી સ્થાનિકો દ્વારા તપાસ કરાતા બપોરના સમયે એક યુવાનનો મૃતદેહ દરીયામાંથી મળી આવ્યો હતો. જ્યારે બીજા યુવાનનો મૃતદેહ આજે સવારે દરિયામાંથી મળી આવ્યો હતો. મૃતક બન્ને યુવાનો જામનગરના હોવાનું ખૂલ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા પાસેની હાજી કીરમાણીની દરગાહ પાસે આવેલા દરિયામાં શુક્રવારે સવારના સમયે જામનગરમાં રહેતા મહમદ ફિરોજભાઈ તથા અમેજ પટ્ટણી નામના બે યુવાનો તેમના પરિવારજનો સાથે બેટ દ્વારકાની આ દરગાહ ખાતે સલામ ભરવા માટે આવ્યા બાદ આ દરગાહની પાછળના ભાગે દરિયામાં નાહવા પડતા પાણીમાં ભરતીના કારણે કરંટ હોવાથી તેઓ ડૂબી ગયા હતા.
આથી આ સ્થળે હાજર લોકોએ બન્નેને બચાવવા માટે સધન પ્રયાસો હાથ ધર્યા હતા. તેમ છતાં બન્ને યુવાનો દરિયાના વિશાળ મોજામાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી બપોરે મહંમદનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ બીજા યુવાન અમેજ પટ્ટણીનો મોડી સાંજ સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો. આજે સવારે ફરીથી બીજા યુવાનની શોધખોળ દરમિયાન તેનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.
આ કરૂણ બનાવમાં જામનગરમાં કાલાવડના નાકા પાસે રહેતા મહમદભાઈ ફિરોજભાઈ રાઠોડ નામના 18 વર્ષના સિપાહી યુવાનનું દરિયાના પાણીમાં તણાઈ જવાના કારણે કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ખંભાળિયામાં પઠાણ પાડો વિસ્તારમાં રહેતા મુખ્તારખાન કાસમખાન યુસુફજી નામના 23 વર્ષના પઠાણ યુવાને ઓખા મરીન પોલીસ મથકમાં જરૂરી નોંધ કરાવી છે. આશાસ્પદ યુવાનના અપમૃત્યુના આ બનાવે ભારે શોકની લાગણી પ્રસરાવી છે.