Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના મોરકંડામાં યુવાનની કોસના ઘા ઝીંકી કરપીણ હત્યા

જામનગર તાલુકાના મોરકંડામાં યુવાનની કોસના ઘા ઝીંકી કરપીણ હત્યા

પોલીસને બાતમી આપતો હોવાની બાબતે હત્યારા અને મૃતક વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો : હત્યારાએ ઘરેથી કોષ લઇ યુવકનું ઢીમ ઢાળી દીધુ : પોલીસ દ્વારા ગુનો નોંધી હત્યારાની શોધખોળ

- Advertisement -

જામનગર તાલુકાના મોરંકડા ધાર વિસ્તારમાં શુક્રવારની રાત્રિના સમયે પોલીસને ગામમાં બોલાવવાનું યુવક અને તેના મિત્રો દ્વારા કરાતું હોવાનું ધ્યાને આવતા ગામના જ એક શખ્સે યુવકને આંતરીને કોસના ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના મોરકંડાધાર વિસ્તારમાં શુક્રવારની રાત્રીના સમયે કોઇ યુવાનનો હત્યા નિપજાવેલો મૃતદેહ સાંપડયાની જાણ થતાં પીએસઆઇ જે.ડી. પરમાર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પરથી લોહી નિતરતી હાલતમાં રહેલા મૃતદેહની ઓળખ મેળવતાં મોરકંડા ધારમાં રહેતાં સુરેશ ઉર્ફે ગડ્ડો (ઉ.વ.24) નામના કોળી યુવકનો હોવાની ઓળખ થઇ હતી. બાદમાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે હત્યાના બનાવમાં તપાસ હાથ ધરતાં મૃતક સુરેશ ઉર્ફે ગડ્ડો દિલીપભાઇ અને તેના મિત્રો ગામમાં ઉભા હતાં ત્યારે મિલન રમેશ સિતાપરા નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને ગામમાં પોલીસના દરોડાની બાતમી મિલન આપતો હોવાનું જણાતાં મિલન અને સુરેશ વચ્ચે બોલાચાલી હતી ઝઘડો થયો હતો. આ બાબતનું મનદુ:ખ રાખી મિલન તેના ઘરે જઇ લોખંડની કોષ લઇને ધસી આવ્યો હતો અને સુરેશના માથામાં પાછળથી જીવલેણ હુમલો કરતાં લોહી-લોહાણ હાલતમાં સુરેશ સ્થળ પર જ ઢળી પડયો હતો.

- Advertisement -

હુમલો કર્યા બાદ મિલન નાશી ગયો હતો. ત્યારબાદ મૃતકના મિત્ર દ્વારા સુરેશના માતા-પિતા અને ભાઇને જાણ કરાતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પોલીસે વધુ તપાસ કરતાં મૃતક સુરેશે યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા બાદ છૂટાછેડા થયા હતાં અને બે વર્ષ પહેલાં મમતા નામની યુવતિ સાથે લગ્ન કર્યા હોવાનું ખુલ્યું હતું. હત્યાના બનાવમાં પોલીસે મૃતકના માતા મંજૂબેન સોલંકીના નિવેદનના આધારે મિલન રમેશ સીતાપરા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular