જામનગર સહિત રાજ્યભરમાં ગૌવંશમાં લમ્પિ વાયરસ ફેલાયો છે. જેને લઇ તંત્ર દ્વારા વેક્સિનેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગરમાં લમ્પિગ્રસ્ત ગાયો માટે આઇસોલેશન સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં 90 ગાયોની સારવાર કરવામાં આવી છે. જે પૈકી 30 ગાયો સ્વસ્થ થઇ છે.
જામનગર શહેરમાં લમ્પિગ્રસ્ત ગાયો ને શોધીને તેને જરૂરી સારવાર મળી રહે તેમજ વેક્સિનેશનની કાર્યવાહી હાથ ધરી શકાય તે માટેના આઇસોલેશન સેન્ટરની રચના કરવામાં આવી હતી અને જામનગરના સોનલનગર વિસ્તારમાં હાલમાં આઇસોલેશન સેન્ટર ચાલી રહ્યું છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લિમ્પિગ્રસ્ત ગાયો માટેની સારવાર અર્થે શરૂ કરાયેલા આઇસોલેશન સેન્ટર અવિરત કાર્યરત રખાયું છે અને તેમાં 90 થી વધુ લમ્પિગ્રસ્ત ગાયોને શોધી લઈ તેના સારવાર માટે રાખવામાં આવી છે. જેમની પશુ ચિકિત્સકો દ્વારા ચકાસણી અને સારવાર અપાઈ રહી છે. સાથોસાથો વેક્સિનેશનની પ્રક્રિયા પણ ચલાવવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા આઇસોલેશન સેન્ટરની દેખરેખ રાખવામા આવી રહી છે. સતત વિઝીટ કરવામાં આવી રહી છે. લમ્પિગ્રસ્ત બનેલી ગાયો પૈકીની 30 ગાય સ્વાસ્થ્ય બની ગઈ છે. જેને હાલ ત્યાંજ રાખવામાં આવી છે અને તેઓને ઘાસચારા-પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અન્ય 60થી વધુ લમ્પિગ્રસ્ત ગાય આઇસોલેશન સેન્ટરમાં સારવાર હેઠળ છે. જે ગાયોની સધન સારવાર ચાલી રહી છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ચાર દિવસના સમયગાળા દરમિયાન એક પણ લમ્પિગ્રસ્ત ગૌવંશનું મૃત્યુ થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા નથી. જો કે અન્ય બિમારી અથવા તો કુદરતી રીતે તેમજ વરસાદી સિઝનમાં મૃત્યુના કિસ્સા બનતા હોય છે. તેવા છેલ્લા ચાર દિવસ દરમિયાન 37 પશુઓના મૃત્યુ થયા છે અને તે તમામ પશુઓની જામનગર નજીક દરેડ વિસ્તારમાં અંતિમ વિધિ કરી લેવામાં આવી છે.