સુપ્રીમ કોર્ટમાં આજે પેગાસસ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. સીજેઆઈ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ અંગે સુનાવણી કરી હતી. સીજેઆઈએ જણાવ્યું કે, રિપોર્ટ પ્રમાણે 29 માંથી 5 ફોનમાં માલવેર મળી આવ્યા છે. જોકે તે પેગાસસ સ્પાયવેર જ છે તેમ ન કહી શકાય. તે મામલે તપાસ માટે રચવામાં આવેલી એક્સપર્ટ કમિટીએ સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પેગાસસ મામલે જણાવ્યું કે, 3 ભાગમાં રિપોર્ટ પ્રસ્તુત કરાયો છે. ટેક્નિકલ સમિતિના 2 રિપોર્ટ અને સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ ન્યાયમૂર્તિ આરવી રવીન્દ્રનની દેખરેખ સમિતિનો એક રિપોર્ટ સામે રાખવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ટેક્નિકલ સમિતિને 29 ફોન આપવામાં આવ્યા હતા અને તેમાંથી 5 ફોનમાં કેટલાક માલવેર હતા. જોકે તે પેગાસસ હોવાનો ઉલ્લેખ નથી. ટેક્નિકલ સમિતિએ એવું નિષ્કર્ષ આપ્યું છે કે, 5 ફોનમાં ખરાબ સાઈબર સુરક્ષા માલવેર છે. સીજેઆઈ રમનાએ જણાવ્યું કે, પેગાસસ મામલે જસ્ટિસ રવીન્દ્રનનો રિપોર્ટ ગુપ્ત રાખવાની જરૂર નથી. જોકે વકીલ કપિલ સિબ્બલે તેના સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, તેઓ નથી ઈચ્છતા કે કોર્ટ આખો રિપોર્ટ આપે કારણ કે, ગોપનીયતા અંગે ચિંતા છે. તેમના ક્લાયન્ટ્સે પોતાના ફોન આપી દીધા છે. જો તેમાં કોઈ માલવેર હોય તો તેમને જાણ કરવી જોઈએ. ત્યાર બાદ સીજેઆઈએ તેઓ કયો રિપોર્ટ જાહેર કરી શકે તે અંગે વિચારશે તેમ કહ્યું હતું. કેન્દ્ર સરકાર પર એવો આરોપ છે કે, આ સોફ્ટવેર દ્વારા તેણે 1,400 લોકોની જાસૂસી કરાવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે, તેમાં 40 પ્રખ્યાત પત્રકારો, વિપક્ષના 3 દિગ્ગજ નેતા, બંધારણીય પદ પર આસીન એક મહાનુભવ, કેન્દ્ર સરકારના બે મંત્રી, તપાસ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ અને અનેક દિગ્ગજ ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે.
આ સોફ્ટવેર માટે એવો દાવો થઈ રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઈ 2017માં જ્યારે ઈઝરાયલ પ્રવાસે ગયા હતા તે સમયે ભારત-ઈઝરાયલ વચ્ચે 2 અબજ ડોલરના સંરક્ષણ સોદાઓ થયા હતા. તેમાં પેગાસસ જાસૂસી સોફ્ટવેર પણ સામેલ હતું. તે સોફ્ટવેરનો ઉપયોગ ફોન દ્વારા કોઈની જાસૂસી કરવા થાય છે. જોકે કેન્દ્ર સરકારે સંસદ અને સુપ્રીમ કોર્ટમાં તે દાવાઓને નકાર્યા હતા.