આજથી જૈનોના પર્યૂષણ મહાપર્વની શરૂઆત થઇ ગઇ છે. જામનગર શહેરમાં સ્થાનકવાસી તથા દેરાવાસી જૈનોમાં ભક્તિભાવની હેલીની શરૂઆત થઇ ગઇ છે. આજથી શરૂ થતાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં શહેરના શેઠજી દેરાસર, પેલેસ દેરાસર, પટેલ કોલોની દેરાસર, પોપટ ધારશી દેરાસર વગેરે સ્થળોએ ભગવાનને પૂજા કરવામાં મોટી કતારો લાગી ગઇ હતી. ત્યારબાદ સવારે 9 વાગ્યે શેઠજી દેરાસર અંતર્ગત પાઠશાળામાં આજે પ્રથમ દિવસે મહારાજ સાહેબ દ્વારા વ્યાખ્યાન (પ્રવચન) આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત શહેરના પેલેસ ઉપાશ્રય, પોપટધારશી ઉપાશ્રય, પટેલ કોલોની ઉપાશ્રયમાં બિરાજમાન મહારાજ સાહેબોએ આજના પ્રથમ દિવસે વ્યાખ્યાન વાંચન કર્યું હતું તથા શહેરમાં આવેલા સ્થાનકવાસીના ચાંદીબજારમાં આવેલા વારિયાના ડેલા ઉપાશ્રય, બેંક કોલોની ઉપાશ્રય, કામદાર કોલોની ઉપાશ્રય વગેરે સ્થળોએ મહારાજ સાહેબોએ પ્રવચન આપ્યા હતાં.
જૈનોના પર્યૂષણ મહાપર્વની શરુઆત આજથી થઇ ગઇ છે. વિશાશ્રીમાળી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે શેઠજી દેરાસર હસ્તક જ્યોતિ-વિનોદ ઉપાશ્રય-પાઠશાળામાં બિરાજમાન આચાર્ય ભગવંત ગુણરત્નસાગરસુરિશ્વરજીના શિષ્ય આચાર્ય ભગવંત જિનેશ્વરરત્નસુરિશ્વરજી મહારાજની નિશ્રામાં પૌષધ એટલે કે, આજથી એક અઠવાડીયા સુધી ઉપાશ્રયમાં રહી સાધુ જેવું જીવન જીવવાનું હોય છે. જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો જોડાયા છે. આજે સવારે 6 વાગ્યે મોટી સંખ્યામાં પ્રતિક્રમણ, દેરાસરોમાં પૂજા કરવા માટે મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો-બાળકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સવારે 9 વાગ્યાથી આજે પ્રથમ દિવસે પર્યૂષણના પાંચ કર્તવ્યનું વાંચન મહારાજ સાહેબો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો જોડાયા હતાં.
શહેરમાં આજના પ્રથમ દિવસે પટેલ કોલોની શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસરમાં પણ સવારે મોટી સંખ્યામાં ભાઇઓ બહેનોએ પૂજા કરી હતી. આ પેઢી હસ્તક આરાધના ભવન ઉપાશ્રયમાં બિરાજમાન પ.પૂ. ગચ્છાધિપતિ દોલતસાગરસુરિશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી પ.પૂ. સરલ સ્વભાવી પ્રશમશીલાશ્રીજી મ.સા.ના પ્રશિષ્યા, પ.પૂ. પ્રશમરત્નાશ્રીજી મ.સા.ના શિષ્યા પ.પૂ. પ્રશમપ્રીણાશ્રીજી મ.સા. આદિઠાણા-3એ આજે પ્રથમ દિવસે ઉપાશ્રયમાં પર્યુષણના પાંચ કર્તવ્યોનું સરળ ભાષામાં વ્યાખ્યાન વાંચન કર્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનોએ લીધો હતો.
ઉપરાંત જામનગર શહેરમાં આવેલા સ્થાનકવાસી જૈન સંઘોના કે.ડી. શેઠ ઉપાશ્રય, બેંક કોલોની ઉપાશ્રય, વારીયા ડેલો ઉપાશ્રય વગેરે સ્થળોએ બિરાજમાન મહારાજ સાહેબો તથા મહાસતીજીઓએ પ્રથમ દિવસનું વ્યાખ્યાન આપ્યું હતું. જેનો સ્થાનકવાસી સંઘના ભાઇઓ-બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આજે પ્રથમ દિવસે સ્થાનકવાસી, દેરાવાસી ઉપાશ્રયમાં પ્રથમ દિવસે સાંજે 7 વાગ્યે પ્રતિક્રમણ યોજાશે તથા રાત્રીના 9 વાગ્યે શેઠજી દેરાસરના પટાંગણમાં વિક્રમભાઇ મહેતા એન્ડ પાર્ટી દ્વારા ભાવના ભણાવાશે. ઉપરાંત શહેરના પેલેસ દેરાસરના પટાંગણમાં પણ ભાવના ભણાવાશે. રાત્રીના શહેરના તમામ દેરાસરો રોશનીથી ઝળહળી ઉઠશે.