દેવભૂમિ દ્વારકામાં કાન્હા વિચાર મંચ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પવિત્ર દિને ભગવાન દ્વારકાધીશની રાજનગરી દ્વારીકામા કૃષ્ણની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા દ્વારકામાં અખિલ ભારતીય આહિર સમાજની વાડીએથી પ્રસ્થાન થઈ હતી. જેમાં આખુ દ્વારિકા કાન્હાના ગોવાળીયાઓ અને ગોપીઓ હોય તેમ રંગે-ચંગે, નાચ-ગાન અને ઉમંગ-ઉત્સાહ સાથે નિજ મંદિર પહોંચી, ત્યાં સમાપન થયું હતું.આ રથયાત્રામાં સાધુ, સંતો, મહંતો સાથે રાજકીય, સામાજિક અને ધાર્મીક અગ્રણીઓ પણ જોડાયા હતા.
આ શોભાયાત્રાનું પ્રસ્થાન સમયે પરંપરાગત રીતે પુરાતન સંસ્કૃતિને છાજે એ રીતે દેશી કૃષ્ણમંડલીના સામૈયા કરી સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભગવાન રાજાધિરાજની સ્થાપ્નવિધી કરવામાં આવી હતી. ત્યાર બાદ આહીર સમાજના ગાદીપતિ મહંત પરમ પૂજ્ય શ્રી જીવણનાથ બાપુ તથા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, પૂર્વ ધારાસભ્યો મુળુભાઈ બેરા તથા રણમલભાઈ વારોતરીયા સહીતના અનેક આગેવાનો, જિલ્લા કલેક્ટર, તથા જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતમાં રાજાધિરાજની રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. હજારો લોકોના ગગનભેદી જયનાદ સાથે રથયાત્રા જ્યારે દ્વારીકાના રાજમાર્ગ પર નીકળી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેબીનેટ મંત્રી પુર્ણેશભાઈ મોદી, સાથે સાંસદ પૂનમબેન માડમે રથયાત્રામા ભગવાન રાજાધિરાજનુ અભિવાદન કરી સમગ્ર ગુજરાતના કલ્યાણ માટે આશિર્વાદ માંગ્યા હતા.યશોદાસ્વરૂપ આહીરાણી માતાઓએ મુખ્યમંત્રીના પારંપરીક દુખણા- ઓવારણા લઈ રાજાધિરાજના રથનું સુકાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોંપ્યુ હતું. મુખ્યમંત્રી જાણે કાન્હા વિચાર મંચના જ એક સભ્ય હોય તે રીતે ભગવાન રાજાધિરાજના ગોવાળીયા બની એમના રથને ખેંચી રથયાત્રામા જોડાયા હતા.
આ રથયાત્રામાં રાસગરબાની રમઝટ સાથે કેશોદ-જૂનાગઢથી ખાસ આવેલા ગોવાળીયાઓએ દ્વારીકામા ઠેરઠેર મટકીફોડના કાર્યક્રમો યોજી, દ્વારીકામા ગોકુળની અનૂભૂતિ કરાવી હતી.રાજાધિરાજની રથયાત્રા જ્યારે જોધાભા માણેક ચોક પહોંચી ત્યારે જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, અધિક કલેકટર, પ્રાંત અધિકારી તથા મામલતદાર સહીતના અધિકારીઓએ આ રથયાત્રામા ભગવાનના રથને ખેંચીને નીજમંદીર સુધી પહોંચાડ્યો હતો. સમગ્ર દ્વારીકા નગરીના પરીભ્રમણ બાદ અખીલ ભારતીય આહીર સમાજ ખાતે રથયાત્રાએ વિરામ લીધા બાદ ત્યાં ભવ્ય વ્રજ રાસોત્સવનું આયોજન કરાયુ હતું. જેમા હજારો લોકો કૃષ્ણપ્રેમમાં રંગેચંગે રાસગરબા રમ્યા હતા.મધ્યરાત્રીએ ભગવાનના જન્મને વધાવવા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર આપનાર તમામ કૃષ્ણપ્રેમીઓની સાથોસાથ પોલીસ પરીવાર, સરકારી તંત્રનો કાન્હા વિચારમંચ દ્વારા જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.