કાલાવડ ગામમાં શિતલા કોલોની વિસ્તારમાં યુવતીને મોબાઇલ નંબર લખેલી ચિઠ્ઠી બાબતે સમજાવવા ગયેલા પ્રૌઢ ઉપર ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ કાલાવડમાં શિતલા કોલોની જૈન સોસાયટીમાં રહેતા વેપારી પરેશ ચંદુલાલ વોરા (ઉ.વ.50) નામના પ્રૌઢની બે ભત્રીજીઓને સ્કૂલ બસમાંથી લેવા ગયેલા હતા. તે દરમ્યાન મંગળવારે બપોરના સમયે થોરાળાના યશપાલસિંહ નામના શખ્સે પ્રૌઢની ભત્રીજીને મોબાઇલ નંબર લખેલી ચિઠ્ઠી નાખી હતી. જે સંદર્ભે પ્રૌઢ વેપારી યશપાલસિંહ નામના શખ્સને સમજાવવા ગયા ત્યારે યશપાલસિંહ, હરદીપસિંહ અને રમજાન નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલાના બનાવમાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ થતાં હે.કો. વી.ડી.ઝાપડિયા તથા સ્ટાફે પ્રૌઢના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.