જામનગર શહેરમાં આજે છઠ્ઠા દિવસે સિટી 1 અને નગર સીમ તથા ખંભાળિયા ગેઈટ ડીવીઝનના વિસ્તારોમાં 33 ટીમો દ્વારા ચેકીંગ દરમિયાન કુલ 345 જોડાણો તપાસતા તે પૈકીના 65માં ગેરરીતિ ઝડપાતા પીજીવીસીએલ દ્વારા 20.90 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. સોમવારથી શનિવાર સુધી છ દિવસ દરમિયાન કુલ 2406 વીજજોડાણો તપાસતા 420 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.1.59 કરોડના બીલો ફટકારવામાં આવ્યા છે.
વીજચેકીંગની વિગત મુજબ, આજે છઠ્ઠા દિવસે જામનગર શહેરના સાત રસ્તા, સિટી-1, નગર સીમ અને ખંભાળિયા ગેઈટ સબ ડીવીઝનના વિસ્તારોમાં પીજીવીસીએલની 33 ટીમો દ્વારા 12 એસઆરપી, 22 લોકલ પોલીસ, 8 એકસઆર્મી મેન અને 03 વીડિયોગ્રાફરોના બંદોબસ્ત વચ્ચે 345 જોડાણો તપાસવામાં આવ્યા હતાં. જે પૈકીના 65 માં ગેરરીતિ ઝડપાતા કુલ રૂા.20.90 લાખના બીલ ફટકાર્યા હતાં. આ પૂર્વે સોમવારે ખંભાળિયા ગેટ સબ ડિવિઝન, જામનગર રૂરલ સબ ડિવિઝન, જીઆઇડીસી સબ ડિવિઝન તેમજ સીટી -2 ડિવિઝન હેઠળ ની 36 ટીમો દ્વારા 49 દિગ્વિજય પ્લોટ, જેલ રોડ, હનુમાન ટેકરી, વિશ્રામ વાડી, 58 દિગ્વિજય પ્લોટ, ઉપરાંત આસપાસના દરેડ જીઆઇડીસી વિસ્તાર, કનસુમરા અને મસીતીયા ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 485 વીજ જોડાણોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 84 વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાતા કુલ 28.85 લાખના વિજબીલ ફટકારવામાં આવ્યા હતાં.
મંગળવારે જામનગર શહેરમાં પીજીવીસીએલની 32 ટીમો દ્વારા બેડી, બેડી બંદર રોડ, દરબારગઢ, રંગુનવાલા હોસ્પિટલ પાસેનો વિસ્તાર, પાંચ હાટડી, ધુંવાવ અને હાપા કોલોની એરિયામાં ચેકિંગમાં કુલ 394 જોડાણો તપાસતા 76 માં ગેરરીતિ મળી આવતા 20.35 લાખના બિલો ફટકારવામાં આવ્યાં હતાં. બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 32 ટીમો અને 12 એસઆરપી તથા 20 લોકલ પોલીસ અને 7 એકસ આર્મીમેન તથા 03 વીડિયોગ્રાફરો સાથે ચેકીંગમાં કુલ 302 જોડાણો તપાસતા તે પૈકીના 52 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.26.55 લાખના બીલો ફટકાર્યા હતાં. ગુરૂવારે પીજીવીસીએલની 34 ટીમો દ્વારા ધ્રોલ, કાલાવડ અને જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 483 જોડાણો તપાસતા તે પૈકીના 63 માં ગેરરીતિ મળી આવતા રૂા.20.65 લાખના બિલો ફટકાર્યા હતાં.
શુક્રવારે પીજીવીસીએલની 31 ટીમો દ્વારા કાલાવડ ગેઈટ બહાર અને કનસુમરા, મસીતિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ દરમિયાન 397 જોડાણોમાંથી 80 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા રૂા.42.15 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં. આજે શનિવારે 33 ટીમો દ્વારા જામનગર શહેરના ગોકુલનગર, રડાર રોડ, નિલકમલ સોસાયટી, અંધાશ્રમ, સાધના કોલોની વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ દરમિયાન 345 જોડાણો તપાસતા 65 માં ગેરરીતિ ઝડપાતા રૂા.20.90 લાખના બીલો ફટકાર્યા હતાં. આમ એક સપ્તાહ દરમિયાન સોમવારે 28.85 લાખ, મંગળવારે 20.35 લાખ, બુધવારે 26.55 લાખ, ગુરૂવારે 20.65 લાખ, શુક્રવારે 42.15 લાખ અને શનિવારે 20.90 લાખ મળી કુલ રૂા. 1.59 કરોડના બીલ ફટકાર્યા હતાં.