જામનગરમાં જીએસટી ચોરીના કિસ્સામાં સેશન્સ કોર્ટે રિમાન્ડ આપ્યાના ગણતરીના કલાકોમાં જ હાઇકોર્ટે રિમાન્ડ ઓર્ડર પર સ્ટે આપ્યો છે.
સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં જામનગરની વૈભવ ઇન્ડસ્ટ્રીઝના યોગેશ વોરાની ધરપકડ તા. 6 જુલાઇના રોજ કરવામાં આવી હતી. 15 દિવસ પછી રિમાન્ડ મંજૂર થતાં તેની સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવતાં રિમાન્ડ આપ્યાના 3 કલાકમાં હાઇકોર્ટે રિમાન્ડ પર સ્ટે આપી દીધો હતો.
તા. 6 જૂલાઇના રોજ જામનગરી વૈભવ ઇન્ડસ્ટ્રીઝના યોગેશ નરશીદાસ વોરાની 62.78 કરોડની જીએસટી કરચોરી અંગે ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને ચીફ જ્યુ. મેજી. જામનગર સમક્ષ તંત્રએ રજૂ કરી અને 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી જે નામંજૂર થઇ હતી
સરકારના પક્ષ દ્વારા જામનગર સેશન્સ કોર્ટમાં યોગેશ વોરાના રિમાન્ડ માટે રિવિઝન અરજી કરવામાં આવતા તા. 22 જુલાઇના રોજ બપોરે આરોપી યોગેશ વોરાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતાં. તુરત જ આરોપીના વકીલે હાઇકોર્ટમાં જસ્ટિસ નિરલ મહેતાની કોર્ટમાં રિમાન્ડ સામે પિટિશન દાખલ કરી અને દલીલો રજૂ કરી હતી કે, સીઆરપીસી એકટ 167 તળે આરોપીની ધરપકડ બાદ 15 દિવસ પછી પોલીસ કસ્ટડી આપી શકાય નહીં અને જેલ હવાલે કરવા પડે. જસ્ટિસ મહેતાએ તથ્યોની ચકાસણી કરી અને જામનગર સેશન્સ કોર્ટ દ્વારા શુક્રવારે અપાયેલા 7 દિવસના રિમાન્ડ માત્ર 3 કલાકમાં જ સ્ટે આપી અને આરોપીને જેલ હવાલે કરી દીધા છે. આરોપી તરફે એડવોકેટ અપૂર્વ મહેતા રોકાયા હતાં.


