અરૂણાચલ પ્રદેશમાંથી મોટી દુર્ઘટના બની છે. ભારત-ચીન બોર્ડર પર કામ કરતા મજૂરોના સમૂહના 18 લોકો લાપતા છે અને 1 મજૂરનું મોત થઈ ચૂક્યું છે. આ મજૂર એક અઠવાડિયાથી ગુમ હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ મજૂરોની કુમી નદીમાં ડૂબી જવાથી મોત થયા છે.
આ મજૂરો ચીનની સરહદ પાસે માર્ગ નિર્માણનું કામ કરી રહ્યા હતા અને ઈદના અવસર પર તેઓ પોતાના ઘરે આસામ જવા માગતા હતા. મજૂરોએ કોન્ટ્રાક્ટર પાસે ઘરે જવા માટે રજા માગી હતી પરંતુ જ્યારે માગ સ્વીકારવામાં ન આવી ત્યારે તેઓ બધા પગપાળા આસામ જવા રવાના થઈ ગયા હતા. આ જ માર્ગે મજૂરો સાથે આ અકસ્માત થયો હતો.
અહેવાલ પ્રમાણે આ બધા મજૂરોને બીઆરઓ દ્વારા માર્ગ નિર્માણના કામ માટે અરૂણાચલ લાવવામાં આવ્યા હતા. ઈદના પ્રસંગે તેઓ પોતાના ઘર જવા માગતા હતા. કોન્ટ્રાક્ટર પાસે મજૂરોએ ઘરે જવા માટે રજા માગી પરંતુ જ્યારે કોન્ટ્રાક્ટરે રજા ન આપી ત્યારે આ બધા મજૂરો પગપાળા આસામ જવા માટે રવાના થઈ ગયા હતા. આ મજૂરો અરુણાચલના કુરુંગ કુમે જિલ્લાના જંગલોમાં ખોવાઈ ગયા હતા. જિલ્લા ડેપ્યુટી કમિશનર બેંગિયા નિઘેએ જણાવ્યું હતું કે આ કામદારો માર્ગ નિર્માણ પ્રોજેક્ટમાં રોકાયેલા હતા અને 5 જુલાઈથી ગુમ છે. જોકે, અત્યાર સુધીમાં માત્ર એત જ મૃતદેહ મળ્યો છે. કમિશનરે જણાવ્યું કે, મંગળવારે વધુ એક ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવશે અને બાકી મજૂરોને શોધવાનો પ્રયત્ન કરવામાં આવશે.
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ મજૂરો ક્યારે અને કેવી રીતે કુમી નદીમાં ડૂબી ગયા? શું તેઓ નદીને પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા? આવા અનેક સવાલ છે જેના જવાબ હજુ સુધી નથી મળી રહ્યા તેના કારણે પોલીસ પણ આ દુર્ઘટનાને લઈને કંઈ પણ બોલવાથી બચી રહી છે. અત્યાર સુધીમાં માત્ર એટલી જાણકારી મળા છે કે, છેલ્લા એક અઠવાડિયાથી આ બધા મજૂરો ગુમ છે.