જામનગર તાલુકાના હાથણી ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાને તેની આર્થિક સંકળામણથી કંટાળીને ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરમાં શરૂ સેકશન રોડ પર રહેતા પ્રૌઢ તેના ઘરે બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના હાથણી ગામમાં રહેતો અને મજુરી કામ કરતો રમેશ ઉર્ફે ટીડો પુનાભાઈ ગુજરાતી (ઉ.વ.40) નામનો યુવાન ઘણાં સમયથી આર્થિક સંકળામણ અનુભવતો હોવાથી જિંદગીથી કંટાળીને મંગળવારે વહેલીસવારે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા પુનાભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એફ.જી. દલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં સબીરકુમાર ગયાધરભાઈ જયપુરીયા (ઉ.વ.56) નામના પ્રૌઢ તેના ઘરે મંગળવારે સવારના સમયે નિંદ્રાધિન હાલતમાં બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબોએ પ્રૌઢનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની હોમિ પારેખ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.