ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગત રવિવાર તારીખ 19 ના રોજ સ્થાનિક સમાજના પ્રમુખ બાબતે બોલી ગયેલી બઘડાટીમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રાજકીય આગેવાન અને સલાયા મુસ્લિમ સમાજના પ્રમુખ એવા 62 વર્ષીય વૃદ્ધ સાલેમામદ કરીમ ભગાડને તેમના પ્રમુખ પદના હોદ્દા પરથી હટાવવા માંગતા સલાયાના રહીશ અકરમ રજાક સંઘાર, રિઝવાન રજાક સંઘાર, એજાજ રજાક સંઘાર અને અબ્દુલ કરીમ સલીમ ભગાડ નામના શખ્સોએ એક સંપ કરી, ઉશ્કેરાઇને ફરિયાદી સાલેમામદ તથા તેમની સાથે રહેલા અન્ય સાહેદોને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બધડાટીમાં આરોપી શખ્સો દ્વારા ફરિયાદી સાલેમામદભાઈ તથા તેમના પુત્ર ઈમરાનભાઈ તથા અસલમભાઈને મારી નાખવાના ઇરાદાથી હુમલો કરી અકરમે અસલમની છાતી ઉપર બેસી જઈને તેનું ગળું તથા મોઢું દબાવી જ્યારે આરોપી એજાજે તેના ઘૂંટણ ઉપર બેસીને તેની વૃષણકોથળી જોરથી દબાવીને ઇજાગ્રસ્ત કરતા ઘવાયેલાઓને વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે પોલીસે સાલેમામદ કરીમ ભગાડની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 307, 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.