મહાનગર મુંબઇમાં આજે સવારે મલપતી ચાલે મેઘરાજાની પધરામણી થઇ છે. આ સાથે જ મુંબઇગરાઓ ઝૂમી ઉઠયા છે. દરમ્યાન સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી પંથકમાં ગઇકાલે બીજા દિવસે પણ ચોમાસા પહેલાંનો હળવો વરસાદ વરસ્યો હતો. 15 જૂન બાદ ચોમાસું મધ્ય ભારત સુધી પહોંચી જવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. મુંબઈમાં આજે સવારે પ્રિ-મોન્સુન હળવા ઝાપટા વરસ્યા હતા. કેટલાંક ભાગોમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી.
તાપમાનમાં ઘટાડો થવાની શકયતા છે. નૈઋત્ય ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. રફતાર પકડાયા બાદ મધ્યપ્રદેશ તથા ગુજરાતને પણ કવર કરી લેશે.ભારતમાં ચોમાસાના વ્હેલા આગમન બાદ છેલ્લા એકાદ સપ્તાહથી કોંકણ નજીક અટકી ગયું છે એટલે મધ્ય ભારતમાં સતાવાર એન્ટ્રીમાં થોડો વિલંબ થવાની આશંકા વચ્ચે હવામાન વિભાગે આવતા સપ્તાહમાં નૈઋત્ય ચોમાસુ સક્રીય થઈ જવાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે 15મી જૂન સુધીમાં ચોમાસુ મધ્ય ભારત તથા ઉતરના અમુક ભાગોને કવર કરી લ્યે તેવી સંભાવના છે.
15મી જૂનથી સારો વ્યાપક વરસાદ શકય છે. ધાન્ય, મકાઈ, કપાસ, સોયાબીન, શેરડી, મગફળી જેવા કૃષિ પાકોના વાવેતરમાં સરળતા રહેશે. ભારતમાં 70 ટકા કૃષિ નૈઋત્ય ચોમાસાના વરસાદ પર નિર્ભર છે. હવામાન ખાતાના કહેવા પ્રમાણે આસામ, સિકકીમ, દક્ષિણી પશ્ચીમ બંગાળ, તામીલનાડુ, મેઘાલય, કર્ણાટક તથા આંધ્રપ્રદેશના કેટલાંક ભાગોમાં સારો વરસાદ થઈ ગયો છે.