મદદનીશ મસ્ત્યદ્યોગ નિયામકની કચેરી દ્વારા તા.1 જૂનથી તા.31 જુલાઇ સુધી જામનગર જિલ્લાના માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવતાં જામનગરના બેડી, સિક્કા, સચાણા, જોડિયા સહિતના માછીમારો દ્વારા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને આવેદન પત્ર પાઠવી દરિયામાં જવા છૂટ આપવા તેમજ સાગર ખેેડૂતોને કિશાન ક્રેડિટ કાર્ડ આપવા, લોન ધિરાણમાં સરકારી બેંકો ધાંધિયા કરતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
સરકારી તંત્રએ યાંત્રિક બોટોને દરિયામાં માછીમારી માટે જવા પર પ્રતિબંધ મૂકયાની જાહેરાત કર્યા બાદ સાગરખેડૂ એવા માછીમાર સમાજના જોડિયાના એલીયાસભાઇ સમેજા, સચાણા માછીમાર એસોસિએશનના પ્રમુખ મહમદ સીદીકભાઇ, બેડીના અનવરભાઇ સંઘાર, ઉમરભાઇ પટેલ, બેડના રસુલનગરના અનવરભાઇ ગાધ, સિક્કાના ઇસ્માઇલભાઇ હુંદડા, બેડીના અહમદભાઇ સેડાત તેમજ 200 જેટલા માછીમાર ભાઇઓએ સર્કીટ હાઉસ ખાતે આવીને જામનગર જિલ્લા માછીમાર બોટ એસો.ના નેજા હેઠળ કેબિનેટ કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલને મળીને આવેદન આપ્યું હતું. ઉપરાંત સચાણા બેઠકના તાલુકા પંચાયત સભ્ય નસીમબેન ગંઢાર વતી પણ આવેદન અપાયું હતું. જેમાં નાનીબોટથી માછીમારી કરતા લોકોને દરિયામાં માછીમારી કરવા જવા દેવા મંજૂરી આપવા, મત્સ્યોદ્યોગ અધિનિયમ મુજબ વર્ષ 2009 થી 17 સુધીની જામનગર જિલ્લાની તમામ બોટ રજીસ્ટ્રેશનની અરજી પેન્ડીંગ કાર્યવાહી શરુ કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા, 10 હોર્સપાવરના મશીનોની બોટોના રજીસ્ટ્રેશન કરવા, સાગરખેડૂતો એવા માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા, સરકારે બોટ દીઠ રૂા. 3 લાખનું ધિરાણ, લોન આપવા સૂચના આપી હોવા છતાં બેંકો લોન આપતી નથી.